બનાસકાંઠા : કારકિર્દી માટે મહત્વની માનવમાં આવતી ધોરણ 10 અને 12ની પરીક્ષા પ્રગતિનું પ્રથમ સોપાન છે. આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે વિદ્યાર્થીઓ આખું વર્ષ ખૂબ જ મહેનત કરતાં હોય છે, ત્યારે આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. જેને લઈ તમામ તૈયારીઓ બોર્ડ દ્વારા કરી લેવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં કુલ 17.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે.
વિદ્યાર્થીઓ હળવાશથી અને નિશ્ચિંત રીતે પરીક્ષા આપે તેવી અપીલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ CCTVની નજર હેઠળ પરીક્ષા આપશે. તે ઉપરાંત ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા ચકાસવા માટે પહોંચી ગયા હતા. પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહેલા બોર્ડના વિદ્યાર્થીઓએ કેમેરા સામે પરીક્ષાને લઈ શું મેહસૂસ કરી રહ્યા છે, તે અનુભવો કહ્યાં હતાં.