- ત્રણ દિવસમાં બીજી વખત પેપર થયું વાયરલ
- પહેલાં અંગ્રેજીનું અને હવે ગણિતનું પેપર ફૂટ્યું
- જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક પેપર રદ્દ કરી નવું પેપર બનાવી પરીક્ષા લેતાં હાશકારો
આ પણ વાંચો : અમદાવાદમાં વધુ એક પેપર લીક થતા રહી ગયું, વિદ્યાર્થી પરીક્ષામાં મોબાઈલ સાથે ઝડપાયો
બનાસકાંઠા: જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની કુલ 585 શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં ધોરણ 8થી 12ના કુલ 1 લાખ 55 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમની પ્રિલીમ પરીક્ષા 19 માર્ચથી શરૂ થઈ છે. પરંતુ ત્રણ દિવસ પહેલાં જ આ પરીક્ષાઓ દરમિયાન ધોરણ 10નું અંગ્રેજીનું પેપર પરીક્ષા પહેલાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. આ ઘટનાને હજુ ત્રણ દિવસ પણ વીત્યા નથી, ત્યાં આજે ગુરુવારે ફરીથી ધોરણ 10નું ગણિતનું પેપર ગત રાત્રીએ જ લીક થઈ ગયું હતું. જે સવારથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયું હતું. જિલ્લા માધ્યમિક શિક્ષણ કચેરીને આ ઘટના ધ્યાને આવતા જિલ્લા પરીક્ષા સમિતિએ તત્કાલિક ધોરણે આ પેપર રદ્દ કરીને બે વાગ્યા સુધીમાં બીજું પેપર તૈયાર કરાવી શાળાઓને મોકલી નવા પેપર સાથે પરીક્ષા લેવામાં આવી હતી. જેનાથી મહેનતુ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ રાહતનો દમ લીધો હતો.
આ પણ વાંચો : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના પેપર લીકકાંડમાં પ્રધ્યાપકનું નામ બહાર આવતા NSUIનું વિરોધ પ્રદર્શન
પેપર લીક થવાની ઘટનાની ઊંડાણપૂર્વક હશે તપાસ- શિક્ષણ નિરીક્ષક
બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા શિક્ષણ ઇન્સ્પેક્ટર જૈમીન દવેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પેપર ગત રાત્રે જ લીક થઈ ગયું હતું. જેથી જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પરીક્ષા સમિતિની ટીમે આ પેપરને તત્કાલિક રદ્દ કરી નવા પેપર સાથે બપોરનાં બે વાગ્યે પરીક્ષા રાબેતા મુજબ યોજાઈ હતી. તેમજ જે પણ શાળામાંથી પેપર લીક થયું હશે, તેની તપાસ કરી કસુરવાર શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.