ધાનેરા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણીને લઈ મતદાન યોજાયું હતું. ભાજપ અને કોંગ્રેસના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના 11 અને કોંગ્રેસના કુલ 17 સભ્યોએ મતદાન કર્યુ હતું. જેમાં કોંગ્રેસના સભ્યોએ તેમના જ ઉમેદવાર યુસુફખાને જ મત આપતાં તેઓ નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
યુસુફખાન બેલીમની વરણી થતાં તેમણે તમામ સભ્યોનો આભાર માન્યો હતો. તેમજ ધાનેરા નગરના વિકાસના કાર્યો કરવાનું વચન આપ્યું હતું. ત્યારે પૂર્વ પ્રમુખે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "ભાજપ સત્તા છીનવવા માટે પ્રયત્નશીલ હતું. પરંતુ કોંગ્રેસના તમામ સભ્યો એક છે. જેથી ભાજપે સત્તા મેળવવા પ્રયત્નો કર્યા પણ તેમાં તેમને સફળતા મળી નહીં."
આમ, એક તરફ જ્યારે ભારતમાં ભાજપની સત્તા જોવા મળી રહી છે. ત્યારે ધાનેરા નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો ભાજપને ભારે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાંક સમયથી ધાનેરા પાલિકામાં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. ત્યારે જાણવું રસપ્રદ રહેશે કે, કોંગ્રેસ પોતાની સત્તા બચવવા કેટલી પ્રયત્નશીલ રહે છે.