- દિનેશભાઈ તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ ચૂંટાયા
- ઈત્તર સમાજમાંથી આવતા દિનેશભાઈનું ઇત્તર સમાજે કર્યું ભવ્ય સ્વાગત
- મહાનગરપાલિકામાં કોંગ્રેસને બે આંકડાંમાં પહોંચવામાં પણ પડ્યાં ફાંફા
બનાસકાંઠા: ડીસાના વતની અને 40 વર્ષોથી ભાજપના વફાદાર દિનેશભાઇ અનાવાડિયા તાજેતરમાં જ ભાજપ તરફથી રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. દિનેશભાઇ અનાવાડિયા પ્રજાપતિ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યસભાના સભ્ય બન્યા બાદ તેઓએ પાલનપુર આવી વોર્ડ નંબર-૨ અને ૩માં ચૂંટણી સભાને સંબોધી હતી. જે દરમ્યાન ઈત્તર સમાજમાંથી મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોએ તેમનું ફૂલહાર તેમજ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મતદાતાઓ અને કાર્યકરોને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે, બીજેપી મારા જેવા નાના સમાજમાંથી આવતા વ્યક્તિને દેશના સર્વોચ્ય ગૃહમાં પ્રતિનિધિ રૂપે મોકલ્યો છે, જે મારા માટે તેમજ સમગ્ર ઈત્તર સમાજ માટેની ગર્વની વાત છે.
કોંગ્રેસ રાજ્યસભામાં ફોર્મ પણ ના ભરી શક્યું
રાજ્યસભામાં નવનિયુક્ત થયા બાદ દિનેશભાઈએ જણાવ્યું હતું કે, બીજેપી તરફથી રાજ્યસભા માટે મેં અને રામભાઈ મોકરિયાએ ચૂંટણી ફોર્મ ભર્યું હતું. પરંતુ કોંગ્રેસમાંથી સામે કોઈ ફોર્મ ભરી શક્યું નથી. મહાનગરપલિકાની ચૂંટણીમાં બીજેપીએ તમામ જગ્યાએ જંગી જીત મેળવી છે. કોંગ્રેસ એકાદ બે જગ્યાએ બાદ કરતાં કોઈ જગ્યાએ બે આંકડાઓમાં પણ પહોંચી શકી નથી. જે દર્શાવે છે કે કોંગ્રેસનો હવે સફાયો થઈ ચૂક્યો છે.
વિધાનસભામાં સુરતની તમામ બેઠકો બીજેપી જ જીતશે: દિનેશભાઈ
આમ આદમી પાર્ટીએ સુરતમાં સારું પરફોર્મન્સ કર્યું હોવા અંગે ETV ભારતે સવાલ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે, જે લોકો બીજેપી છોડી આપમાંથી ચૂંટણી લડ્યા હતા. તે લોકો જ જીત્યા છે. આની કોઈ મોટી અસર આગામી વિધાનસભામાં નહી પડે, આગામી વિધાનસભામાં સુરતની તમામ બેઠકો બીજેપી જ જીતશે, તેવો આશાવાદ નવનિયુક્ત સાંસદ દિનેશભાઈ અનાવાડિયાએ વ્યક્ત કર્યો હતો.