બનાસકાંઠા : નિસર્ગ વાવાઝોડાની અસરથી જિલ્લો પણ બાકાત રહ્યો નથી અને છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લામાં પણ વાતાવરણમાં ભારે પલ્ટો આવ્યો છે. રોજ સવારે વાદળછાયું વાતાવરણની સાથે મોડી સાંજે આંધી તોફાન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
છેલ્લા એક અઠવાડિયામાં જ ત્રણ વખત વરસાદ થતાં અનેક જગ્યાએ નુકસાન થયું છે. ગત મોડી રાત્રે પણ થરાદ, વાવ, પાલનપુર કાંકરેજ અને ડીસા સહિત તાલુકાઓમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. વારંવાર વરસાદના કારણે ખેડૂતો પણ ત્રસ્ત બની ગયા છે. એક જ અઠવાડિયામાં સતત ત્રણ વાર વરસાદ થતાં અને તે પણ ભારે વાવાઝોડા સાથે ત્રાટકતા અનેક ઘરના પતરા ઉડી ગયા છે. જ્યારે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોના જાનમાલને ભારે નુકસાન થયું છે.
ભારે વાવાઝોડા અને તીવ્ર ગતિએ પવન ફૂંકાતા અનેક ઘર અને ઝૂંપડાઓના પતરા ઉડી ગયા છે તો કેટલી જગ્યાએ વર્ષોથી ઉભેલા લીલાછમ અને અડીખમ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે. ખાસ કરીને ઉનાળામાં બાજરીનું વાવેતર કરેલા ખેડૂતોને આ વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. કારણ કે, લોકડાઉનના કારણે મજૂરો મળી શક્યા નથી અને હવે જ્યારે બાજરીનો પાક તૈયાર થઇ ગયો હતો, ત્યારે જેમ તેમ કરીને પોતાના પરિવાર સાથે બાજરીને લણી રહ્યા હતા, પરંતુ તે દરમિયાન જ વરસાદે બાજરીના છોડને જમીનદોસ્ત કરતા અનેક ખેડૂતો પાયમાલ બન્યા છે.
જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની રહ્યા છે. તેવામાં ફરી એકવાર વાવાઝોડુ અને વરસાદ ત્રાટકતા ખેડૂતોને બેહાલ કરી દીધા છે, ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.