બનાસકાંઠાઃ હાલ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને તમામ ભક્તો ભગવાન શિવની ભક્તિમાં લીન બની રહ્યા છે. ત્યારે આ વર્ષે કોરોના વાઇરસના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ પૌરાણિક મંદિરોમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસનાદીમાં પાણીની સારા પ્રમાણમાં આવક થઈ છે. જેથી રજા હોવાને કારણે રવિવારે વિશ્વેશ્વર ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.
આજે જાણે ભગવાન ભોળાનાથના ભક્તો કોરોના વાઇરસ ભૂલી ગયા હોય, તેમ વિશ્વેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી કોરી ધાકોર પડેલી બનાસ નદીમાં નહિવત વરસાદના કારણે કોઈપણ વ્યક્તિ આવતું ન હતું. પરંતુ છેલ્લા 5 દિવસથી માઉન્ટ આબુમાં પડી રહેલા ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવું પાણી આવ્યું છે. ત્યારે રવિવારે આ નદીમાં ન્હાવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી.
લોકો એ પણ ભૂલી ગયા હતા કે, હાલમાં સંક્રમણ વધવાથી કોરોના વાઇરસની બીમારી વધવાની શક્યતાઓ છે. ત્યારે રવિવારે બનાસ નદીમાં અનેક લોકોએ પોતાના પરિવાર સાથે ન્હાવાની મોજ માણી હતી. ત્યારે શું આ બાબતે અહીંના આયોજકોને કંઈ ધ્યાન નહીં હોય કે, આટલી મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. આ બાબતે આ અગાઉ પણ કલેક્ટર દ્વારા કોઈ પણ સ્થળ પર મોટી ભીડ ન કરવા માટે આદેશ કરવામાં આવ્યો હોવા છતાં મોટી ભીડ જોવા મળતા વિશ્વેશ્વર મંદિરના ટ્રસ્ટ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.