ગયા ચોમાસામાં વર્ષેલા અપૂરતા વરસાદે સમગ્ર ગુજરાત સહિત રાજસ્થાનના પશુપાલકોને ભારે મુશ્કેલીમાં મુકી દીધાં છે. ચોમાસા બાદ શિયાળાનાં દિવસો તો જેમ તેમ પસાર થયા.પરંતુ હવે ઉનાળામાં આ માલધારીઓને પોતાના માલઢોર સાથે જીવવું દુષ્કર બની રહ્યું છે. કચ્છ અને રાજસ્થાનમાં હાલના ઉનાળામાં ક્યાંય પણ લીલું તો ઠીક સૂકા ઘાસનું તણખલું પણ જોવાં મળતું નથી.આ સ્થિતિમાં માલધારીઓમાં પશુઓ માટે ઘાસચારાની અને પાણીની ચિંતા ઉઠી છે.
ત્યારે ઘાસચારો અને પાણીની શોધમાં 40 જેટલાં માલધારી પરિવારો પોતાનાં 5000 જેટલા માલઢોર સાથે બનાસકાંઠામાં આવી પહોંચ્યા છે. રાજસ્થાનથી પોતાના પશુઓ સાથે માલધારીઓ હિજરત કરી બનાસકાંઠામાં વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ હવે માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી ટકાવી રહ્યાં છે. એક તરફ અપૂરતો વરસાદ અને ઘાસચારો અને બીજી તરફ પાલતું માલઢોરનાં ભૂખ-તરસનાં નિસાસા.
આ બધાં વચ્ચે કેટલા પશુઓ સાથે તેઓ પોતાના પરત ફરશે તે પણ તેઓને ખબર નથી.બનાસકાંઠાના ડીસા આજુબાજુમાં હિજરત કરી આવેલા માલધારીઓ તેમના પરિવાર સાથે ખુલા આકાશ અને નીચે ધરતી વચ્ચે દિવસો પસાર કરી રહ્યા છે.જો રાજસ્થાન માં સરકાર દ્વારા આવા માલધારીઓને થોડી પણ ઘાસચારો, પાણીની સહાય આપવામાં આવી હોત તો કદાચ આ માલધારીઓને પોતાના ઘરબાર છોડી હિજરત કરવાની ફરજ ના પાડી હોત.
પોતાના બાળકો, સ્ત્રીઓ સાથે ધોમધખતા તાપમાં દિવસ રાત ગુજારવીએ ખુબજ અસહ્ય પરિસ્થિતિ હોય છે પરંતુ પોતાના જીવથી પણ વધારે વહાલા પશુઓ માટે હિજરત કરવું પડે તે પણ સરકારની નામોશી સમાન બાબત છે.ત્યારે હાલ તો પોતાના અસ્તિત્વ માટે હિજરતએ જ માલધારીઓ તેમના અને પશુઓ માટે કલ્યાણ કરી બાબત હોવાનું માની છે.