ડિપ્થેરિયા એ ખૂબ જ ખતરનાક બીમારી છે. આ બીમારી નાના બાળકો માટે જીવલેણ માનવામાં આવે છે. આ બીમારી કેટલાંક મહિનાથી માંથુ ઉચકી રહી છે અને ડિપ્થેરિયાથી બનાસકાંઠા જીલ્લામાં બાળકોના મોત થયાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. નાના બાળકો માટે જીવલેણ મનાતી આ બીમારીને લઈ બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈ ગયું છે.
ડિપ્થેરિયા ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળતી જીવલેણ બીમારી છે. આ બીમારી ધરાવનાર બાળકોના ગળાના અંદરના ભાગે સોજો થવાથી ખૂબ જ દુખાવો થાય છે અને જો સમયસર બાળકને તેની સારવાર ન મળે તો બાળક માટે જીવલેણ પણ સાબિત થઈ જાય છે. આ બીમારી બાળકના શરીરમાં ઝેર ઉત્પન્ન કરે છે અને તેનાથી બાળકનું મૃત્યુ થતું હોય છે.
બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક મહિનાથી ડિપ્થેરિયાએ માથું ઊંચક્તા ડિપ્થેરિયાના કેસોમાં વધારો નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ડિપ્થેરિયાથી બાળકોના મોત થયા બાદ લાખણી અને ડીસા તાલુકામાથી પણ ડિપ્થેરિયાના શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા હતાં. જેને લઈ ગુરૂવારના રોજ જિલ્લા આરોગ્ય અધિકારી ડીસાની તાલુકા હેલ્થ કચેરી ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય કર્મીઓને ડિપ્થેરિયાને અટકાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત બાળકોને રસીકરણ કરાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
ડિપ્થેરિયા હવે એડવાન્સ લેવલે પહોંચી જતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું, ત્યારે ડિપ્થેરિયાના ગંભીર પરિણામો જોતાં જો ડિપ્થેરિયાને અંકુશમાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં બનાસકાંઠા જીલ્લામાં બાળમરણની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઈ શકે તેમ છે.