- ધાનેરા પૂજારી હત્યા કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો
- પૂજારીની હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ
- પૂજારીની પત્નીના પ્રેમીએ 3.5 લાખની રૂપિયામાં આપી હતી સોપારી
બનાસકાંઠા : જિલ્લામાં અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ ચોંકાવનારી હત્યાની વધુ એક ઘટના ધાનેરાના ધારણોધર ગામેથી સામે આવી છે. જેમાં મૂળ ધાનેરાના ગોળા ગામના અને હાલ ધરણોધર ગામે રહી મંદિરની પૂજા કરતા પૂજારી રમેશભારતી ભાણાભારથી ગૌસ્વામીની હત્યા થયેલી હાલતમાં ધારણોધર નજીક બાવળોની ઝાડીમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને પોલીસને જાણ કરાતા ધાનેરા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, મૃતકના પરિવારજનોએ હત્યારાઓને ઝડપી પાડવા માટેની માગ કરતાં કહ્યું હતું કે, કોઈએ તેમને ફોન કરીને અજાણી જગ્યાએ બોલાવીને તેમની હત્યા કરી છે.
પૂજારીની હત્યા કરાયેલો મૃતદેહ મળતા અલગ-અલગ ટીમ બનાવી 3 આરોપીઓની અટકાયત કરી
પૂજારીની હત્યા કરાયેલો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી અને લોકોમાં રોષ જોવા મળતા હત્યારાઓને તત્કાલિક ઝડપી લેવા પોલીસે LCB સહિતની અલગ-અલગ ટીમ કામે લાગી હતી. LCB પોલીસે તપાસનો ધમધમાટ કરીને ગણતરીના કલાકમાં જ રાજસ્થાનના સાંચોર તાલુકાના સિવાણા ગામના પ્રકાશ લુહાર અને વાલીયાણા ગામના લુણારામ મેઘવાલ નામના બે આરોપીઓને દબોચી લીધા હતા. તેમની આકરી પૂછપરછ કરતાં પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
પૂજારીની પત્ની સાથે આડા સંબંધ હત્યાનું કારણ
જેમાં ધાનેરાના ગોલા ગામના શિવાભાઈ પટેલેને પૂજારીની પત્ની સાથે આડા સંબંધ હોઈ પૂજારીને તેની જાણ થતા તેમને શિવાભાઈને પોતાના ઘરે ન આવવાનું કહેતાં શિવાભાઈએ પૂજારીનું કાસળ નિકાળવાનું નક્કી કરી તેના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા પ્રકાશ લુહારને પૂજારીની હત્યા કરવા માટે 3.5 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. જોકે, પ્રકાશ લુહારે આ કામ તેના એકલાનું ન હોવાનું કહી રાજસ્થાનથી અન્ય એક વ્યક્તિને લાવવાનું કહીને તેને રાજસ્થાનથી લુણારામ મેઘવાળને બોલાવ્યો હતો અને ત્રણેય જાણઓએ કાવતરું રચ્યું હતું. ત્યાર બાદ ભાગીયા તરીકે કામ કરતા પ્રકાશ લુહારે પૂજારી રમેશભારર્થીને ફોન કરીને બાવળની ઝાડીમાં બોલાવીને પોતાની વાતોમાં વ્યસ્ત રાખીને પૂજારીના પાછળથી હાથ બાંધીને લોખંડના વાયરથી ગળું દબાવી મોત નિપજાવી ફરાર થઇ ગયા હતા. જે બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓના નામ
- શીવાભાઈ ગોકળાભાઇ પટેલ (રહે. ગોલા, ધાનેરા )
- પ્રકાશભાઈ જબરાભાઈ લુહાર (રહે. શિવાણા, રાજસ્થાન)
- લુણારામ મોહનરામ મેઘવાળ(રહે. વાલિયાણા, રાજસ્થાન)