- જિલ્લાના શહેરી વિસ્તાર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસમાં વધારો
- કોરોના કેસ અટકાવવા ધાનેરા 7 દિવસ બંધ
- જરૂરિયાત સિવાય તમામ ધંધા-રોજગાર બંધ
બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ડીસા અને પાલનપુરમાં કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ડીસા અને પાલનપુરમાં રોજના 200થી પણ વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ હાલમાં લગ્નની સિઝન હોવાના કારણે ગ્રામીણ વિસ્તારમાંથી લોકોની બજારોમાં અવરજવર વધતી જોવા મળી રહી હતી અને તેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ સંક્રમણ વધ્યું હતું. ત્યારે હવે ગ્રામીણ વિસ્તારમાં લોકો વધુ કોરોના સંક્રમીત ના થાયે તે માટે જાતે જ લોકડાઉન લગાવી રહ્યા છે. અગાઉ પર જિલ્લાના સરહદી વિસ્તાર અને રાજસ્થાનને અડીને આવેલા નેનાવા ગામ સ્વયંભૂ 7 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ હાલમાં ધાનેરામાં પણ સતત કોરોના વાઈરસના કેસમાં વધારો થતાં 7 દિવસ સુધી બંધ કરવામાં આવ્યું છે.
જિલ્લામાં રોજ 100 થી પણ વધુ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાઈ રહ્યા
જિલ્લામાં રોજના 100 થી પણ વધુ કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાઈ રહ્યા છે, ત્યારે ધાનેરા શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે આજે સોમવારે મામલતદાર કચેરી ખાતે નગરપાલિકા, પોલીસ સહિતના અધિકારીઓ અને વેપારીઓની ખાસ બેઠક મળી હતી. જેમાં શહેરમાં આવતીકાલે મંગળવારથી 7 દિવસ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. દૂધ, મેડિકલ શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી એમ 4 કલાક માટેનો સમય આપવામાં આવ્યો છે. આ સિવાય તમામ ધંધા-રોજગાર બંધ રહેશે અને 7 દિવસ સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાળી કોરોનાની ચેન તોડવાનો પ્રયાસ હાથ ધરાયો છે.
જિલ્લામાં હાલ બે હજારથી પણ વધુ એક્ટિવ દર્દીઓ
જિલ્લામાં હાલ રોજેરોજ મોટી સંખ્યામાં નવા કોરોનાના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. જિલ્લામાં હાલ બે હજારથી પણ વધુ કોરોના દર્દીઓ એક્ટિવ છે. વધતા જતા કોરોના વાઈરસના કેસ ના કારણે અનેક તાલુકાઓમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવી રહ્યું છે. જેના કારણે કોરોના વાઈરસના કેસમાં ઘટાડો કરી શકાય. જિલ્લામાં હાલ સૌથી વધુ કેસ ડીસા અને પાલનપુરમાં સામે આવી રહ્યા છે.