- રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લાનું ડ્રગ્સનું નેટવર્ક
- આગથળા પોલીસે 5 લાખનું ડ્રગ્સ ઝડપ્યું
- 1 મહિલા સહિત 5 લોકોની પોલીસે કરી અટકાયત
બનાસકાંઠા: રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવતા હોય છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા બે મહિનામાં બનાસકાંઠા જિલ્લાની મુખ્ય બોર્ડર અમીરગઢ પરથી કરોડો રૂપિયાના માદક પદાર્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. રાજસ્થાનમાંથી અસામાજિક તત્વો દ્વારા અવનવા કિમીયાઓ અપનાવી ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી માદક પદાર્થો ઘુસાડવામાં આવે છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે, રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોનું નેટવર્ક મોટું જોવા મળી રહ્યું છે.
કુલ ચાર 4.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
લાખણી તાલુકાના આગથળા પાસેથી ડ્રગ્સની હેરાફેરી કરતી એક મહિલા સહિત પાંચ લોકોની પોલીસે અટકાયત કરી છે. જેમાં રાજસ્થાનના સાંચોર ગામેથી રવિ નામના વ્યક્તિ પાસેથી એમડી મેફેડ્રોન ડ્રગ્સ લઈને ઇકો ગાડીમાં પાંચ લોકો ગુજરાત તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન લાખણી તાલુકાના આગથળા ગામ પાસે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ઇકો કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે આગથળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં શંકા જતા પોલીસે ગાડીની તલાશી લેતાં તેમાંથી એમડી મળી આવ્યું હતું. જેથી પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની અટકાયત કરી હતી. તેમજ ઇકો કાર સહિત કુલ ચાર 4.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ પાંચેય આરોપીઓ સામે NDPS એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયેલા આરોપીઓમાં યાસીન ઇસુફભાઈ સિંધી, ઈમ્તિયાઝ અબ્દુલભાઇ મકરાણ, વસીમ હબીબભાઈ કસાઈ, અફરોજ ઉર્ફે ફરીન ,એક સગીર યુવકની પોલીસે ધરપકડ કરી છે.
કોરોનાની મહામારી પહેલા બનાસકાંઠા જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઓછા પ્રમાણમાં ઝડપાતા હતા. પરંતુ કોરોનાની મહામારી બાદ બનાસકાંઠા જિલ્લા પોલીસે તમામ ઉપર કડક ચેકિંગ હાથ ધર્યું હતું. જેના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લાની તમામ બોર્ડર પરથી કરોડો રૂપિયાના મુદ્દામાલ સાથે માદક પદાર્થોની હેરાફેરી કરતા અસામાજિક તત્વો ઝડપાઈ રહ્યા છે. અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી પોલીસે ડ્રગ્સ, ગાંજો, દારૂ, રિવોલ્વર, સોના-ચાંદી સહિત અનેક વસ્તુઓ ગેરકાયદેસર રીતે ઝડપી પાડી છે.