- બનાસકાંઠા જિલ્લા પોલીસની તવાઈ
- જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરતા શખ્સો સામે કાર્યવાહી
- ડીસા તાલુકાના ઢુંવા ગામેથી ગાંજો ઝડપાયો
- 1.24 લાખ રૂપિયાના ગાંજા સાથે એક આરોપીની અટકાયત
બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થ એવા ગાંજાનું વાવેતર વધી ગયું છે, જેમાં ડીસા તાલુકાના ઢૂવા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. ડીસા તાલુકા પોલીસને બાતમી મળતા પોલીસે ઢૂવા ગામની સીમમાં આવેલી લાડજીજી કાળુજી ઠાકોરના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન તેમના ખેતરમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થ એવા ગાંજાના છોડનું વાવેતર મળી આવ્યું હતું. આથી પોલીસે ગાંજાના 53 નંગ છોડ સહિત 1.24 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે લાડજીજી ઠાકોર સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- Nenava Check Post પરથી 6.22 લાખના ગાંજા સાથે ત્રણ લોકોની અટકાયત
ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરનારા તત્વો પર પોલીસની તવાઈ
જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગાંજાનું વાવેતરનું ચલણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ આ બાબતે સતર્ક રહી ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરતા તત્વો પર તવાઈ વરસાવી રહી છે.
આ પણ વાંચો- અમદાવાદના નારોલમાંથી 110 કિલો ગાંજા સાથે 3 શખ્સોની ધરપકડ
હજી પણ ગાંજાનું વાવેતર મળે તેવી શક્યતા
બનાસકાંઠા જિલ્લો રાજસ્થાની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાને કારણે અનેકવાર અસામાજિક તત્વો દ્વારા કેફી પદાર્થની હેરાફેરી બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવે છે, પરંતુ હવે બનાસકાંઠા જિલ્લામાં પણ ધીમે ધીમે લોકો પોતાના ખેતરોમાં ગાંજાનું વાવેતર કરતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ ગાંજાનું વાવેતર ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી કરી છે ત્યારે હજી પણ પોલીસ દ્વારા અન્ય ગામોમાં કડક તપાસ કરવામાં આવે તો અનેક ગામમાંથી ગાંજાનું વાવેતર મળે તેવી શક્યતા છે.