બનાસકાંઠાઃ નાયબ મુખ્યપ્રધાને રવિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. જ્યાં નીતિન પટેલે અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા. જે બાદ દાંતા ખાતે કાર્યક્રમ યોજ્યો હતો. નીતિન પટેલે પાલનપુર ખાતે અનેક વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
પાલનપુર RTO સર્કલ પાસે રૂપિયા 166.20 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ગુજરાતના વિશિષ્ટ રેલવે ઓવરબ્રિજનું ભૂમિ પૂજન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કર્યુ હતું. આ ઉપરાંત છાપી અને જગણા રેલવે ઓવરબ્રિજ તથા થરાદ અને લાખણી વિશ્રામ ગૃહનું નાયબ મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, પાલનપુર RTO સર્કલ પાસે આવેલા રેલવે ફાટક હાલમાં દિવસમાં 58 વખત બંધ કરવામાં આવે છે. અહીંથી દિલ્હી-મુંબઇ કોરીડોર પસાર થવાથી રેલવેની માલગાડીઓ માટે 4 લેન રેલવે ટ્રેક બનાવવાની કામગીરી ચાલુ છે. જેથી આગામી દિવસોની ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ત્રણ બાજુથી અવર-જવર કરી શકાય તેવો ગુજરાતનો વિશિષ્ટ રેલવે ઓવરબ્રિજ બનશે. જેનાથી પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને નિવારી શકાશે.
રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય ગુજરાત આવ્યાને મુદ્દે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે. ધારાસભ્ય પણ નાગરિક છે અને તેવો હરફરવા જવા માટે મુક્ત છે. રાજસ્થાનના ધારાસભ્યો સોમનાથના દર્શન માટે આવ્યા છે. કોઈ ધારાસભ્ય છૂપાયા નથી. બધા જ છૂટથી ફરી રહ્યા છે. ધારાસભ્ય ગુજરાત આવ્યા છે, તે સારી વાત છે.