બનાસકાંઠાઃ જિલ્લાના દિયોદરમાં આવેલી ધી ખેતીવાડી બજાર સમિતિના બોર્ડ ઓફ ડિરેક્ટરો અને ચેરમેનની ટર્મ પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં સત્તાધારી પેનલની હાર થઇ અને ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો હતો. મહત્વની બાબત એ છે કે, હાલ ચેરમેન તરીકે દિયોદરના ધારાસભ્ય શિવાજી ભુરિયા હતા અને તેમની પેનલનો સફાયો થયો છે.
બનાસકાંઠાના દિયોદર ખાતે આવેલા ધી ખેતીવાડી બજાર સમિતિ વર્ષોથી વિવાદમાં રહી છે. અગાઉ માર્કેટએ ખરીદેલી જમીનને લઈને ચેરમેન સામે વિવાદ થયો હોતો. જેના કારણે અગાઉ ચેરમેન રહેલા ઈશ્વર તરકને ચેરમેન પદ છોડવું પડ્યું હતું અને સતત આઠ વર્ષથી ચેરમેન પદે દિયોદરના ધારાસભ્ય શિવાજી ભુરિયા હતા. બાદમાં ચૂંટણીમાં પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરકએ ભાજપ પ્રેરિત પેનલ બનાવી સત્તાધારીઓ સામે બાયો ચડાવી હતી અને મતદાન બાદ મતગણતરી યોજાઈ હતી.
જેમાં 16 ડિરેક્ટરોની ચૂંટણીમાં સત્તાધારીઓની પેનલમાંથી 6 ડિરેક્ટરો વિજેતા બન્યા હતા. જ્યારે પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરકની પેનલના 10 ડિરેક્ટરો વિજેતા થતા સત્તાધારી શિવાજી ભુરિયાની પેનલની કારમી હાર થઇ હતી. આ બાબતે વિજેતા પેનલના ઈશ્વરભાઈ તરકએ જણાવ્યું હતું કે, દિયોદરના ખેડૂતો અને ભાજપના નેતાઓના સહયોગથી અમારી પેનલનો વિજય થયો છે. પૂર્વેના પાંચ વર્ષના શાસનમાં ખેડૂતો દુઃખી હતા. ધારાસભ્યનું અસ્તિત્વ શુ છે જે ખેડૂતોએ બતાવી દીધું છે.
દિયોદર માર્કેટમાં 16 ડીરેકટરોમાંથી ખેડૂત પેનલના 10 ભાજપ પ્રેરિત ઈશ્વર દેસાઈના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે વેપારી પેનલના 4 અને તેલીબિયાં પેનલના 2 ઉમેદવાર સત્તાધારી શિવાજી ભુરિયાની પેનલના વિજેતા ઉમેદવારએ જણાવ્યું હતું કે, શંકર ચૌધરીની આગેવાનીમાં બનેલી ઈશ્વરભાઈની પેનલના 10 ઉમેદવાર વિજેતા થયા છે, જે પૂર્વે અમારું શાશન ખુબ જ સારું હતું એટલે વિજેતા થયા છીએ અને હાલ શિવાજી ચેરમેન છે તેમનાથી વેપારીઓ અને ખેડૂતોને ન્યાય ન આપતા તેઓની હાર થઈ છે.
દિયોદર માર્કેટ પર કોંગ્રેસનો છેલ્લા 8 વર્ષથી કબ્જો હતો. હાલના ધારાસભ્ય શિવાજી ભુરિયા માર્કટના ચેરમેન છે અને તેમની હાર થતા કોંગ્રેસમાં સન્નાટો ફેલાયો હતો. તો ભાજપ પ્રેરિત પેનલ વિજેતા થતા ખેડૂતો અને વેપારીઓએ જશ્ન મનાવ્યો હતો. આમ આખરે રસાકસી ભરી ચૂંટણીમાં સત્તાધારીઓનો કારમો પરાજ્ય થયો છે અને પરીવર્તનનો પવન ફૂંકાયો છે.