બનાસકાંઠા: સરકારી કાર્યક્રમમાં મારામારીની ઘટનાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી છે. રોષે ભરાયેલા ખેડૂત આગેવાનોએ ધારાસભ્યની હાજરીમાં રોષ ઠાલવતા કહ્યું હતું કે મે ખેડૂતો માટે માંગણી કરી હતી ને નેતાઓના ચમચા મને હેરાન કરે છે હું ભાજપનો ગુલામ નથી.
સમગ્ર મામલો: બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં આજે ધારાસભ્ય કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં અટલ ભુજલ યોજનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ સમયે ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્યના સમર્થકો રજૂઆત કરવા માટે જવા દેતા ન હતા. તે સમયે અમરાભાઇ ધારાસભ્યની નજીક રજૂઆત કરવા માટે જતા હતા. તે દરમિયાન ધારાસભ્યના સમર્થક દ્વારા જાહેરમાં જ અમારા ભાઈને બે થપ્પડો મારી દેતા કાર્યક્રમમાં હોબાળો મચ્યો હતો. આ મામલો વધુ બીચકે નહીં એ માટે બધા લોકો ભેગા થઇને બંનેને શાંત પાડયા હતા અને જુદા કર્યા હતા.
જાહેરમાં થપ્પડ: ખેડૂત આગેવાન અમરાભાઇ જ્યારે ખેડૂતોના પ્રશ્નોને લઈને ધારાસભ્ય નજીક રજૂઆત કરવા જતા હતા. તે દરમિયાન ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીને જાહેર કાર્યક્રમમાં થપ્પડ મારી દેવાતા તેઓ ગુસ્સે ભરાયા હતા અને રોશ ઠાલવતા કહ્યું હતું કે મેં ખેડૂતો મુદ્દે રજૂઆત કરી એટલે નેતાઓના ચમચા મને હેરાન કરે છે. અમરાભાઇ અહીં અટક્યા નહીં અને ધારાસભ્ય નજીક જઈને રોજ ઠાલવતા કહ્યું હતું કે“ હું ભાજપનો ગુલામ નથી ” અમરાભાઇએ કહ્યું હતું કે દિયોદર તાલુકાના ફક્ત આઠ ગામોને જ આ યોજનાના સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી અમને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું અને અધિકારીઓને અને પ્રશ્ન રજૂઆત કરવા માટે કહ્યું હતું. એટલે મેં રજૂઆત કરી હતી. એટલે મને ધારાસભ્યના સમર્થક દ્વારા જાહેરમાં થપ્પડ મારવામાં આવી.
"આ મામલે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો તેમણે કહ્યું હતું કે કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો હતો એમાં કંઈ થયું જ નથી પાછળથી કંઈ થયું હોય તો મને ખબર નથી જ્યારે તેમના પર આક્ષેપ થતો હોવાથી વાત કરી તો કહ્યું તે નેતા થવા નીકળ્યા છે એટલે આક્ષેપ કરે છે કે આવું કંઈ થયું નથી"-- અમારાભાઈ (ખેડૂત આગેવાન)
ખેડૂતોને ફાયદો: વધુમાં જણાવ્યું કે આજે દિયોદર ખાતે અટલ ભુજલ યોજના અંતર્ગત દિયોદરના ત્રણ તાલુકા ની મીટીંગ હતી. એના અનુસંધાને આજે અમે બધા ખેડૂતો મળેલા અને અમને અધિકારી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તમારા કોઈ પ્રશ્નો હોયતો તમે રજૂઆત કરી શકો છો એટલા માટે અમે બધા ખેડૂતો આવ્યા હતા અને બધા ખેડૂતો વતી આગેવાન તરીકે હું રજૂઆત કરવા માટે ગયો હતો. મેં રજૂઆત કરી હતી કે અમારા દિયોદર તાલુકાના 8 ગામ છે. તેના કરતાં વધુ ગામ આ યોજનામાં લેવામાં આવે તેથી વધુમાં વધુ ખેડૂતોને લાભ મળે અને બીજી અમારી રજૂઆત એ હતી કે બનાસ નદીમાં ચેકડેમ બનાવવામાં આવે તો પાણી રોકી શકાય અને પાણીના તળ ઊંચા આવે તો ખેડૂતોને ફાયદો થાય ત્યારે બધા વચ્ચે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણએ મને અપમાન કરતાં કહ્યું હતું કે તમે અહીં કોઈ રાજકારણ કરી શકશો નહીં.