બનાસકાંઠા: એક સમય હતો કે ભારતને સોને કી ચિડિયાના દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.સમગ્ર વિશ્વમા ભારતમાંથી બનતી ચીજવસ્તુઓની ખૂબ જ માંગ હતી. તે સમયે ભારત વિશ્વમાં હાથ વણાટની ચીજવસ્તુઓની બનાવટ કરવામાં ખૂબ જ સમૃદ્ધ દેશ હતો.
બનાસકાંઠા જિલ્લાના ડિસા શહેરમાં આવેલા રાજપુર વિસ્તારની વાત કરીએ તો અહી પણ એક સમય હતો કે, જ્યારે હાથ વણાટનો ઉદ્યોગ ખૂબ જ ફેલાયો હતો. બનાસ નદીના કિનારે વસેલા ડિસા શહેરના રાજપુર વિસ્તારમાં એક સમય હતો કે અહી અંદાજે ૭૦થી ૮૦ જેટલા હેન્ડ પ્રિન્ટના કારખાના આવેલા હતા. હજારો લોકો આ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને રોજગારી મેળવતા હતા.
તે સમયે હાથથી તૈયાર થયેલા કાપડની વિશ્વભરમાં ખૂબ જ માંગ હતી. રાજપુરમાં હાથથી તૈયાર થતાં સાડીઓથી માંડીને આની કાપડનું ખૂબ જ મોટી માત્રમાં ઉત્પાદન થતું હતું, પરંતુ સરકારની આ હસ્તકળા ઉદ્યોગ પ્રત્યેની ઉદાસીનતાને પગલે આજે આ ઉદ્યોગ મૃતપ્રાય અવસ્થામાં પહોંચી ગયો છે.
એક સમયે રાજપુરમાં ૭૦થી ૮૦ કારખાના ધમધમતા હતા. તે અત્યારે ઘટીને માત્ર બે થઈ ગયા છે. જેમાં ગણ્યા ગાંઠયા લોકો જ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત હવે આગામી સમયમાં આ હસ્તકળા ઉદ્યોગ નામશેષ થવાની ક્ગાર પર પહોંચી ગયો છે. મૃતપ્રાય અવસ્થામાં પહોંચેલો આ ઉદ્યોગ એક સમયે ભારતની ઓળખ હતો અને આ ઉદ્યોગથી થતાં ઉત્પાદનથી જ આકર્ષાઈને અંગ્રેજો ભારત આવ્યા હતા. પરંતુ સરકારની ઉદાસીનતાને લીધે ભારતની આ ઓળખ ભૂંસાવા માંડી છે.
ડિસામાં રહેતા હસ્તકળાના કારીગરો જણાવી રહ્યા છે કે, સરકાર દ્વારા કચ્છના હસ્તકળાના કારીગરોને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ સદીઓથી હસ્તકળાના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના કારીગરોને જો સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે તો આગામી સમયમાં ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાનો હસ્ત ઉદ્યોગ જીવંત થઈ શકે તેમ છે.
વર્તમાન સમયમાં આ ભૂલાતી જતી કળાને સાચવીને બેઠેલા લોકો માંગ કરી રહ્યા છે કે, જો સરકાર દ્વારા આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે અને નિકાસ માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો ભૂલાતી જતી આ કલાને ફરી જીવંત બનાવીને આ ઉધોગને એકવાર ફરી ધમધમતો કરી શકાય છે.
કેન્દ્ર સરકાર દ્વારા સ્કિલ ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત ભારતના અનેક પ્રાચીન હસ્તકળાના ઉદ્યોગોને જીવંત કરવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આ હાથ છાપકામના ઉદ્યોગ માટે પણ સરકાર દ્વારા નિકાસની વ્યવસ્થા કરવામાં આવે તો ભારત વિશ્વમાં હાથ છાપકામની વસ્તુની નિકાસ કરનાર મોટો દેશ બની શકે છે. તેનાથી સ્થાનિક કારીગરોને રોજગારી આપવા ઉપરાંત દેશના વિદેશી હુંડિયામણમાં પણ વધારો કરી શકાય છે.