બનાસકાંઠાઃ જિલ્લામાં દર વર્ષે દોઢ લાખ હેકટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે અને તેના કારણે જ ગુજરાતમાં સૌથી વધુ એટલે કે, 210 જેટલા કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ ધમધમ્યા છે, પરંતુ, છેલ્લા 5 વર્ષથી બટાકામાં મંદીનો માહોલ હોવાના કારણે બટાટાનો ઉધોગ ઝડપથી પડી ભાંગ્યો છે.

કોલ્ડ સ્ટોર માલિકો પણ લોન લીધા બાદ બટાકાનો ભાવ ગગડી જતા કેટલાય સ્ટોરના માલિક લોન ન ભરી શકે તેવી પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે. તેના કારણે 30 ટકા જેટલા કોલ્ડ સ્ટોરને તાળા લાગી ચૂક્યા છે. બાકીના સ્ટોર પણ મૃતપાય અવસ્થામાં છે. બટાકાની વાત કરીએ તો બટાકાના ધંધા પર બનાસકાંઠા જિલ્લાના 2 લાખથી પણ વધુ લોકો નિર્ભર રહે છે. ત્યારે હવે સરકાર આગામી સમયમાં બટાકાના ઉદ્યોગને બેઠું કરવા માટે કોઈ જોગવાઈ કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ખેતી આધારિત પોતાનું જીવન પસાર કરે છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં સૌથી વધુ બટાકાનું ઉત્પાદન થાય છે,પરંતુ સતત 4 વર્ષથી બટાકાના ભાવમાં મંદીના કારણે બટાકાનું વાવેતર થતાં ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજમાં માલિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ગુજરાતમાં સૌથી વધુ કોલ્ડ સ્ટોરેજ ડીસામાં આવેલા છે,પરંતુ સતત 4 વર્ષથી બટાકાના ભાવ ન મળતા કોલ્ડ સ્ટોરેજના માલિકોએ જે લોન લીધેલી હતી, તે ભરી શકયા ન હતા. ડીસામાં હાલ 40થી પણ વધુ કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ ગયા છે, ત્યારે આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે, તેમાં બટાકાની ખેતી સાથે સંકળાયેલા લોકોની બજેટમાં નોંધણી લેવામાં આવે અને તેમને યોગ્ય સહાય આપવામાં આવે તો જ ડીસા શહેરમાં આવનારા સમયમાં બટાટાની ખેતી યોગ્ય રીતે થઇ શકે તેમ છે.