બનાસકાંઠા: ખેડૂતોના હિત માટે અને વિશ્વાસપાત્ર ખાતર, બિયારણ અને દવા મળી રહે એ માટે 1950માં ડીસામાં ધી ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આ સંઘ ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ નફો કરનારો સંઘ છે. ડીસા અને આસપાસમાં શાખાઓ ઉભી કરી ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર બિયારણ મળી રહેતું હતું, પંરતુ ગત 5 વર્ષથી સંઘમાં સત્તાધારીઓ દ્વારા વહીવટમાં ગેરીનીતિઓ કરી રૂપિયા 4 કરોડ ઉપરાંતની ગેરનીતિઓ બહાર આવતા જિલ્લા રજીસ્ટાર દ્વારા તપાસ દરમિયાન ચેરમેન દશરથ દેસાઈ અને બોર્ડ ઓફ ડિરેક્ટરોને બરતરફ કર્યા હતા. ત્યારબાદ જિલ્લા રજીસ્ટાર દ્વારા 6 વ્યક્તિઓની સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પણ સામેલ છે. જેથી શનિવારે ખેડૂતોની હાજરીમાં સમિતિના સભ્યોએ તાલુકા સંઘનો ચાર્જ સાંભળ્યો હતો.
આ અંગે સમિતિના સભ્ય અને ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની રજૂઆત મારી પાસે આવ્યા બાદ મેં સરકારમાં તપાસ માટે જાણ કરી હતી અને સરકારે તપાસ કરતા કરોડોની ગેરનીતિ બહાર આવી હતી. જેથી સરકારે ચાલુ ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટરોને બરતરફ કરી સમિતિની રચના કરી છે. જો કે, આ સંઘમાં ગેરનીતિ કરનારા કોઈને છોડવામાં નહીં આવે અને ગેરનીતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે ખેડૂતોની સંસ્થા ફરી ખેડૂતોની વિશ્વાસપાત્ર બને તેવા પ્રયાસ કરાશે.