બનાસકાંઠા : ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને શહેરી વિકાસ માટે નવા રોડ, ભૂગર્ભ ગટર અને લાઈટોની વ્યવસ્થા લોકોને મળી રહે તે માટે અઠળક રૂપિયાની ગ્રાન્ટથી નગરપાલિકા દ્વારા કામો કરવામાં આવી રહ્યા છે, ત્યારે ડીસા શહેરના આદર્શ હાઇસ્કુલ પાછળ આજે નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગરીબ પરિવારોના ઘર પર JCB ફરી વળતા આંખમાં આંસુ જોવા મળ્યા હતા.
40 વર્ષ જૂના દબાણો કરાયા દુર : ડીસા આદર્શ સ્કૂલ પાછળ નવો 40 ફૂટ રસ્તો બનાવવા માટે નગરપાલિકા દ્વારા કવાયત હાથ ધરવામાં આવતા જ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા 40 વર્ષથી મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવી વસવાટ કરતા હતા, ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા આ તમામ પરિવારોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવી હતી. પરિવારો પોતાનું દબાણ ન તોડવા માટે નગરપાલિકા ડીસા નાયબ કલેકટર, જિલ્લા કલેકટર ગાંધીનગર સહિત હાઇકોર્ટમાં પણ રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ પરિવારની રજૂઆત અસફળતા આખરે આજે પોતાના પરિવારોને ઘર છોડવા માટે મજબૂર બનવું પડ્યું હતું.
![આદર્શ હાઇસ્કુલ પાછળ આવેલા મકાનોના દબાણો દૂર કર્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/27-06-2023/18861265_1.jpg)
લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા : નગરપાલિકા ટીમ દ્વારા આ તમામ પરિવારોના મકાનો પર JCB મશીન ફરતાની સાથે જ લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આ પરિવાર હાલ ઘરવિહોણા બન્યા છે. હાલમાં આ પરિવારો પાસે ન તો રહેવા માટે મકાન છે કે ન તો મજૂરી કરવા માટે કોઈ વ્યવસાય. વરસાદનો સમય ચાલી રહ્યો છે, ત્યારે પાલિકા દ્વારા આમ વરસાદના સમયમાં જ આ દબાણો તોડી પાડ્યા છે. લોકો ધ્રુસકે ધ્રુસકે રડ્યા, પાલિકા દ્વારા મકાનો તોડી પાડી રહ્યા હતા, ત્યારે નાના બાળકો પણ આ મકાન તૂટતાં જોઈને રડી રહ્યા હતા, ત્યારે આ નાના બાળકો રડતા જોઈને આસપાસના લોકોની આંખોમાં પણ આંસુ આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
મકાન ન તોડવા માટે આજીજી : દબાણ હટાવતા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે નગરપાલિકા દ્વારા જ્યારે દબાણ હટાવવામાં આવી રહ્યું હતું, ત્યારે વસવાટ કરતા પરિવારો પોતાનું મકાન ન તોડવા માટે કલાકો સુધી આજીજી કરતા નજરે પડ્યા હતા. તેમ છતાં પણ દિશા નગરપાલિકાનું JCB મશીન રોકવામાં ન આવ્યું હતું. તમામ એ દબાણમાં મકાનો હતાં તેને તોડી પાડવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા વર્ષોથી જ આ વિસ્તારમાં 40 ફૂટ રોડ બનાવવાની લોકોની માંગણી હતી. તેને ધ્યાને લઈ આજે આ તમામ પરિવારોના મકાનો તોડવામાં આવ્યા છે અને તે બાદ અહીંયા 40 ફૂટનો નવો રોડ બનાવવામાં આવશે. - પંકજ બારોટ (ચીફ ઓફિસર, ડીસા નગરપાલિકા)
લોકોની વેદના : આ બાબતે મકાનમાલિકોએ જણાવ્યું હતું કે, અમે અહીં 40-50 વર્ષથી રહીએ છીએ. નગરપાલિકા અમારી પાસેથી તમામ વેરા વસુલ કરે છે. પાણી વેરો, સફાઈ વેરો, ઘર વેરો આમ તમામ પ્રકારના વેરા અમારી પાસેથી વસૂલ કરે છે. હાલ નગરપાલિકા અમારી પર હત્યાચાર કરી રહ્યા છે. અમારી ઘર આગળ કમ્પ્લીટ 40 ફૂટનો જગ્યા હતી અને રસ્તો બની જાય તેવું હતું, પરંતુ તેમ છતાં નગરપાલિકા દ્વારા અમારા મકાનો પાડી દેવામાં આવ્યા છે. અમને ખૂબ ખોટી રીતે હેરાન કરે છે અને દબાણ કરે છે.
નગરપાલિકા ધમકી આપે : અમારા મકાનો ખાલી કરાવવા માટે નગરપાલિકાએ પાણીના કનેક્શન અને લાઈટના કનેક્શન કાપી નાખ્યા છે. છેલ્લા 20 દિવસથી અમે ખૂબ તકલીફ વેઠીએ છીએ. અમે તમામ કચેરીઓમાં રજૂઆત કરી ચૂક્યા છીએ, પરંતુ અમારું કોઈ સાંભળતું નથી, અમને કોઈ મદદ કરતું નથી, અમે હાલના ચાલુ ધારાસભ્ય પ્રવીણ માળીના ઘરે ગયા અને પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યાના ઘરે ગયા બધા આશ્વાસન આપે છે, પરંતુ મદદમાં કોઈ આવતું નથી. આગળથી કોઈ હાઈકોર્ટનો ઓર્ડર નથી અમે નગરપાલિકા પાસે બધું માંગ્યું તો અમને ધમકીઓ આપીને ત્યાંથી કાઢી મૂકે છે.