ભાજપનો વિરોધ કરી મોટા થયેલા અલ્પેશ ઠાકોર સંપૂર્ણ રીતે કેસરિયામાં રંગાયા બાદ પણ હજી ભૂતકાળની યાદોથી પીડાઈ રહ્યાં છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અને પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને તેમના જૂના નિવેદનોના કારણે હજુ મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે.
કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ બનાસકાંઠા જિલ્લાના આસેડા ખાતે સ્થાનિક ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પહોંચેલા અલ્પેશ ઠાકોરે બનાસકાંઠા જિલ્લાના તત્કાલિન જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બડગુજર પર બુટલેગરો પાસેથી દર મહિને 42 લાખ રૂપિયાનો હપ્તો લેતા હોવાના સંગીન આક્ષેપો કર્યા હતા.
આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે આટલેથી ન અટકતા નીરજકુમાર બડગુજર સામે અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ બનાસકાંઠાના તત્કાલિન જિલ્લા પોલીસ વડાએ ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુધ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. જે સંદર્ભે ડીસા કોર્ટ દ્વારા આ મામલે વારંવાર અલ્પેશ ઠાકોરને કોર્ટમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવતું હતું. પરંતુ દરેક સમયે અલ્પેશ ઠાકોર ગેરહાજર રહેતા હોવાના લીધે એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે અલ્પેશ ઠાકોર સામે ધરપકડનો વોરંટ ઈશ્યુ કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આગામી દિવસો અલ્પેશ ઠાકોર માટે વધુ કપરા સાબિત થાય તેવું જણાઈ રહ્યું છે.
એકતરફ તેમના સમર્થકો અલ્પેશને રૂપાણી સરકારમાં કેબિનેટપદ મળશે તેવી આશ લઈ બેઠાં છે ત્યારે અલ્પેશ ઠાકોર વિરૂધ્ધ વોરંટ ઈસ્યુ થતાં સમર્થકો ગુંચવાયા છે.