- ડીસામાં આમ આદમી પાર્ટીએ ગેરન્ટી કાર્ડ બહાર પાડ્યું
- આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહેલા તમામ ઉમેદવારો શિક્ષિત અને યુવાન
- ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આજથી ચૂંટણી જંગ શરૂ
બનાસકાંઠાઃ ડીસામા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીયો જંગ જામશે. કારણ કે, આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. આમ આદમી પાર્ટીએ 44 બેઠકમાંથી 22 બેઠક પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના 22 ઉમેદવારોએ આજે ગુરુવારે ડીસાના તીન હનુમાનદાદાના મંદિર ખાતે પૂજા-અર્ચના કરી ભગવાનની સાક્ષીએ નિષ્ઠાથી કામ કરવાના શપથ લીધા હતા અને પાર્ટીએ તેનું ગેરન્ટી કાર્ડ પણ રજૂ કર્યું છે. અત્યાર સુધી નેતાઓ માત્ર વચનો આપતા હતા, પરંતુ તેની સામે આમ આદમી પાર્ટી લોકોને વચન કે વોરન્ટી નહીં પરંતુ કામ કરવાની ગેરન્ટી આપી રહી છે.
તમામ ઉમેદવાર શિક્ષિત
આમ આદમી પાર્ટીમાંથી ઉભા રહેલા તમામ ઉમેદવારો શિક્ષિત અને યુવાનો છે. AAPના ઉમેવાર ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક અને વકીલ જેવા ઉચ્ચ અભ્યાસ વાળા છે. તેમજ આ ઉમેદવારોએ પણ ડીસાની જનતાને એક વાર તેમને તક આપવાની વિનંતી કરી છે. એટલું જ નહીં તેમની પાસે દારૂ પીવડાવવા માટે કે વોટ ખરીદવા માટે પૈસા નથી, પરંતુ જીત્યા બાદ તે લોકોની તમામ મુશ્કેલીઓને સંપૂર્ણપણે હલ કરશે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
152 ઉમેદવાર વચ્ચે જંગ
ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. 28 ફેબ્રુઆરીના રોજ ડીસા નગરપાલિકાના 11 વોર્ડ પર 44 બેઠક માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે હવે મેદાનમાં 152 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપ દ્વારા ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે 44 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા 23, આમ આદમી પાર્ટીના 21, બહુજન સમાજ પાર્ટીના 2 ઉમેદવાર અને અપક્ષ તરીકે 64 અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.