દાંતીવાડાઃ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ કિટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય તથા વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીના સંયુક્ત ઉપક્રમે "રણ તીડની વર્તણૂંક અને વ્યવસ્થાપન" વિષય ઉપર રાજ્યકક્ષાનો એક દિવસીય ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં વિસ્તરણ શિક્ષણ નિયામક ર્ડા.વી.ટી.પટેલ દ્વારા તજજ્ઞો તથા કાર્યક્રમમાં જોડાયેલ સર્વે અધિકારીઓ અને ખેડૂતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ર્ડા.આર.કે.પટેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. જેમાં કુલપતિએ રણ તીડના ઉપદ્રવ, આગમન અને ફેલાવા અંગે સવિસ્તાર માહિતી આપી હતી, ત્યારબાદ રાજ્યના અધિક ખેતી નિયામક ડી.વી.બારોટે તીડ નિયંત્રણ અંગેના અનુભવો, નિયંત્રણની વ્યુહરચના તેમજ ગ્રામ્ય સ્તરેથી જિલ્લા કક્ષાની ટીમોની ગોઠવણી, મોનીટરીંગ અને નિયંત્રણની કાર્ય પધ્ધતિ અંગે વિશદ છણાવટ કરી હતી. જે તીડ નિયંત્રણમાં કાર્યરત અધિકારી, ખેડૂતો માટે ઉપયોગી થશે.

પાલનપુરના મદદનીશ નિયામક કે.એલ. મીનાએ તીડ નિયંત્રણ સંસ્થાનો પરિચય અને કામગીરી અંગેની માહિતી આપી હતી. કૃષિ યુનિવર્સિટીના કૃષિ કિટકશાસ્ત્ર વિભાગના તજજ્ઞ અને સહ પ્રાધ્યાપક ર્ડા.એફ.કે. ચૌધરીએ તીડની ઉત્પત્તિ અને જીવનચક્ર અંગે ખૂબ જ ઉંડાણપૂર્વક માહિતી આપી હતી. ર્ડા. જી.એમ. પટેલ, નિવૃત આચાર્ય, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય તથા બોર્ડ મેમ્બરે રણ તીડના વ્યવસ્થાપન અંગે માહિતી આપી હતી. જેમાં તીડના આક્રમણ સમયે ખેડૂતો, અધિકારીઓ અને સંસ્થાઓએ તીડના નિયંત્રણ માટે આગોતરી તેમજ સંક્ર્મણ વખતે કયા ઉપાયો કરવા તેની ચર્ચા કરી હતી. ખેડૂતો તેમજ અધિકારીઓના વિવિધ પ્રશ્નોનું તજજ્ઞો દ્વારા સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું હતું.
અંતમાં ડૉ.પી.એસ. પટેલ, સહ પ્રાધ્યાપક, કિટકશાસ્ત્ર વિભાગ દ્વારા સર્વેનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં અધિકારીઓ તેમજ ખેડૂતોએ ભાગ લઇ તીડ નિયંત્રણ અંગે આગામી પગલાં લેવા માટે માર્ગદર્શન મેળવ્યું હતું તથા તેમને મુંઝવતા પ્રશ્નોના સમાધાનકારક ઉત્તરો પણ આપવામાં આવ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.એચ.બી.પટેલ, નિયામક, આઇ.ટી. તેમજ ડૉ.જે.કે.પટેલ, તાલીમ સહાયક દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.