બનાસકાંઠામાં કેનાલ તૂટવાની ઘટના કોઈ નવી ઘટના નથી. જ્યારે જ્યારે કેનાલમાં પાણી છોડયામાં આવે છે, ત્યારે-ત્યારે કેનાલમાં ગાબડું પડવાની ઘટના બને છે. આ સિલસિલો કેનાલ બની ત્યારથી જ અવિરતપણે ચાલુ છે. ગત એક અઠવાડિયામાં જ થરાદ અને વાવ વિસ્તારની કેનાલોમાં પાણી છોડતાની સાથે ગાબડું પડ્યું હતું. જેમાં, હજારો લિટર પાણી વેડફાઇ ગયું છે. કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. જેથી, ખેડૂતોએ કાળી મજૂરી કરી પકવેલા પાકમાં નુસકાન થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો છે.
ગત એક અઠવાડિયામાં ઢીમાં, પ્રતાપપુરા, દૈયપ, કણોઠી અને આસપાસની કેનાલમાં 10 થી 100 ફૂટ જેટલા ગાબડા પડયા છે. જે કેનાલની બનાવટમાં હલકા પ્રકારનો માલ વપરાયાનો ઈસારો કરે છે. ગાબડું પડવા અંગે તંત્રને રજૂઆત કરવા છતાં, અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં હોવાના ખેડૂતોએ આક્ષેપો કર્યા છે.
છેલ્લા એક અઠવાડિયામાં 6 સ્થળે કેનાલમાં ગાબડાં પડી જતા હલકી ગુણવત્તાવાળી કામગીરી સામે આવી છે. જોકે, આ બાબતે સ્થાનિક ખેડૂતો દ્વારા સત્તાધીશોને રજૂઆત કરવા છતાં, તેઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેથી, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી કામ થતુ હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યાં છે.
આ મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ ભાજપ સરકાર પર કેનાલના ગાબડાને લઇ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, કેનાલ હલકી ગુણવત્તાવાળી અને ડિઝાઇનમાં ખામી યુક્ત બનાવી છે. જો તંત્ર કેનાલમાં ગંભીરતા નહીં દાખવે, તો અમે ખેડૂતોના અધિકાર માટે છેલ્લે સુધી લડીશું.