બનાસકાંઠા: ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિસ્તારોમાં વિકાસ થાય તે માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ અમુક વચેટીયાઓ પૈસા કમાવવાની લ્હાયમાં ગ્રામીણ વિસ્તારનો વિકાસ કરવામાં આવતો નથી. બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવા રોડ છે જે વર્ષોથી બિસ્માર હાલતમાં છે, ક્યાંક તો નવા રોડ બન્યા છે તો ક્યાંક થોડા સમયમાં જ તૂટી જવા પામ્યા છે. ત્યારે આજે સરહદી વિસ્તારમાં બનાવેલા રોડની વાત કરીશું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં રોડ કામ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા રોડ સારા ન બનાવવામાં આવતા અનેક સરહદી વિસ્તારના રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. આ રોડ પર અકસ્માત સર્જવાની ભીતિ સેવાઈ રહી છે અહીંથી વાહન ચાલકોને પસાર થવામાં ભારે હેરાન-પરેશાન થવું પડે છે. આ રોડ પરથી અનેક પશુપાલકો પોતાના ખેતરમાંથી દૂધ ભરાવવા માટે ડેરી પર જાય છે. ત્યારે આ રોડના ખાડા ખદળામાં કેટલીક વાર પડી જવાથી દૂધ ઢોળાઈ જવાની પણ ઘટના સામે આવી છે.
સ્થાનિક તંત્ર કેમ ચૂપ છે? શું આ સપ્રેડાથી ઢીમા રોડ કોઈને નજરમાં નહીં આવ્યો હોય? જેવા અનેક સવાલો આ વિસ્તારના ખેડૂતોના મનમાં આવી રહ્યા છે. જોકે આ રોડની તસ્વીરો તો ઘણુંબધું કહી રહી છે પણ હાલ તો આ વિસ્તારના ખેડૂતોની એક જ માગ છે કે જવાબદાર તંત્ર દ્વારા આ સપ્રેડાથી ઢીમા શીંગલ પટ્ટી રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તો આવનાર સમયમાં અહીંથી પસાર થતા સ્થાનિક લોકોને મોટી રાહત થઈ શકે તેમ છે.