બનાસકાંઠા:જિલ્લાના પાથાવાડા પાસે આવેલા એક ગામમાં સાયબર ક્રાઇમની ઘટના સામે આવી છે જેમાં ફ્રોડ કોલના આધારે યુવતીના ખાતામાંથી 65 હજાર રૂપિયા ઉપાડી ઠગાઈ કરતા યુવતીએ જિલ્લા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે.
ડિજિટલ પદ્ધતિથી ઓનલાઇન પેમેન્ટનો ઉપયોગ વધી રહ્યો છે. સાથે સાથે ઓનલાઇન પેમેન્ટ કરતા એપ્લિકેશનો પર ફ્રોડ કોલના આધારે સાયબર ક્રાઈમની ઘટનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જેમાં આજે બનાસકાંઠા જિલ્લામાં પાંથાવાડા પાસે આવેલા ભાટવર ગામે પણ એક યુવતી સાથે ફ્રોડ કોલ કરી 65 હજાર રૂપિયાની ઠગાઇ કરતા ફરિયાદ નોંધાવામાં આવી છે.
ભાટવર ગામે રહેતી જયશ્રી મહેશ્વરી નામની યુવતીએ તેના મોબાઇલમાં ફોન પે નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી બાદમાં અજાણ્યા નંબરથી ફોન આવતા અને તેને વાતચીત કર્યા બાદ તેના ખાતા માંથી 65 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. બનાવને પગલે યુવતી તાત્કાલિક bank of baroda અને એસ બી આઈની શાખામાં પહોંચી હતી, તેમજ બનાસકાંઠા જિલ્લા સાયબર સેલમાં અને ધાનેરા પોલીસ મથકે રજુઆત કરી હતી.