અંબાજી મંદિરથી છ કિલોમીટર દૂર કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિરની જગ્યા આવેલી છે. ત્યાંના તત્કાલિન મહંત અને પૂજારી જનાર્દનદાસજીએ વર્ષ 1977માં દાંતાની સિવિલ કોર્ટમાં દીવાની દાવો દાખલ કરી માગણી કરી હતી કે કોટેશ્વર મંદિર અને તેની મિલકતો પર તેમને હકદાવો આપવામાં આવે. આ ઉપરાંત અંબાજી મંદિર ટ્રસ્ટને આ મિલકતો પર કોઇ અધિકાર નથી તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. સિવિલ કોર્ટે આ અરજી 1977માં ફગાવી હતી. ત્યારબાદ તેમણે કોટેશ્વર મંદિરનું અલગ ટ્રસ્ટ બનાવવા અને તેને અંબાજી મંદિર ટ્રસ્ટથી અલગ કરવાની અરજી પણ ચેરિટી કમિશનર સમક્ષ કરી હતી. તે અરજી પણ રદ કરવામાં આવી હતી.
મહંત જનાર્દનદાસજીનું અવસાન થતા તેમના શિષ્ય વિશ્વંભરદાસજીએ મંદિર અને તેની મિલકત પર માલિકી માટે માગણી કરી હતી અને આ મામલો હાઇકોર્ટ સમક્ષ પહોંચ્યો હતો. વર્ષ 2014માં ગુજરાત હાઇકોર્ટે અંબાજી મંદિર ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને વિશ્વંભરદાસજી પાસેથી મંદિર અને મંદિર હેઠળની મિલકતો પરત લેવા આદેશ કર્યો હતો. ત્યારબાદ વિશ્વંભરદાસજીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ અંબાજી મંદિર ટ્રસ્ટની રજૂઆત હતી કે તત્કાલિન મહંત જનાર્દનદાસજી માત્ર મંદિરના પૂજારી હતા અને તેનું વેતન પણ તેમને મળતું હતું. તેથી મિલકત પર તેઓ હકદાવો ન કરી શકે. આ ઉપરાંત હાલના અરજદાર વિશ્વંભરદાસજી તેમના શિષ્ય છે અને તેમને પૂજારી પણ બનાવવામાં આવ્યા નથી. તેથી તેઓ આ મિલકત પર કોઇ હકદાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી અરજી ફગાવી છે અને હાલના મહંતને છ મહિનાની સમયમર્યાદામાં મંદિર ખાલી કરવા નિર્દેશ કર્યો છે.