બનાસકાંઠા: સમગ્ર વિશ્વ હાલમાં કોરોના વાઈરસ(કોવિડ-19)ની વૈશ્વિક મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે કોઈપણ વ્યક્તિ કોરોના વાઈરસનો ભોગ ન બને તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગુજરાત સરકારની કોરોના વાઈરસ સામેની આ લડાઈના અભિયાનમાં સહભાગી થવા સ્વૈચ્છિક ફાળો આપવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અપીલને માન આપી સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોએ એક દિવસના પગારની રકમ આપવાનો નિર્ણય કર્યો હતો.
આ કર્મચારીના પગારમાંથી એકત્રિત થયેલી રકમ રૂ. 23,71,180નો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અને PM કેર ફંડમાં રૂ. 5000નો ચેક દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. કે. પટેલે બનાસકાંઠા કલેકટ સંદીપ સાગલેને અર્પણ કર્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના હિસાબ નિયામક ડી. બી. મોદી ઉપસ્થિત રહ્યા હતા.