બનાસકાંઠાઃ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલો બનાસકાંઠા જિલ્લો કોરોના હોટ સ્પોટ વિસ્તાર બની રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 20થી 30 જેટલા નવા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે.
ખાસ કરીને જિલ્લાના ડીસા અને પાલનપુર કોરોના હોટસ્પોટ વિસ્તાર બની ગયા છે. રોજેરોજ વધતા કેસના કારણે આરોગ્ય વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. સાથે-સાથે લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં આજે સોમવારે નવા 22 કેસ નોંધાતાની સાથે જ જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 310 પર પહોંચી ગયો છે.
આજે સોમવારે પાલનપુર કોવિડ હોસ્પિટલમાં દાખલ પરસોત્તમભાઈ સોનીનું કોરોના વાઇરસના કારણે સારવાર દરમિયાન મોત થયું છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 15 દર્દીઓના કોરોના વાઇરસના કારણે મોત થયા છે.