- જિલ્લા કોર કમિટીની બેઠકમાં કલેકટરે કોરોના રોકવા કર્યો અગત્યનો નિર્ણય
- એક અઠવાડિયા સુધી દરરોજ જાહેરમાર્ગો પર કરાશે કોરોના ટેસ્ટ
- ભરચક વિસ્તારોમાં કોરોના વેક્સિન આપવાની કામગીરી પણ હાથ ધરાશે
બનાસકાંઠા: જિલ્લામાં છેલ્લાં 20 દિવસોથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે કોરોનાના સંક્રમણને ફેલાતું અટકાવવા જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જિલ્લા કલેકટર દ્વારા દરરોજ જિલ્લાની કોર ટિમ સાથે બેઠક કરી કોવિડ વેકસીન તેમજ કોવિડ ગાઈડલાઈન અંગે ચર્ચા વિચારણા તેમજ ડેઇલી કામગીરીના અમલીકરણ અંગે ચર્ચા વિચારણા કરાય છે. હાલમાં જિલ્લામાં 45 વર્ષથી વધુની ઉંમર ધરાવતાં તમામ નાગરિકોને કોરાના વેક્સિન આપવાનું કાર્ય પણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
કલેક્ટરે મીડિયાને આપી માહિતી
જિલ્લાની કોર ટીમ સાથે થયેલી બેઠકમાં આજે એક અત્યંત મહત્વનો નિર્ણય લેતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાના પ્રત્યેક શહેરોમાં જ્યાં APMC, રીક્ષા સ્ટેન્ડ, શાકમાર્કેટ, મેડિકલ સ્ટોર્સ વગેરે સ્થળો પર સળંગ એક અઠવાડિયા સુધી લોકોના સ્થળ પર જ કોરોના ટેસ્ટ કરાશે, તેમજ માસ્ક અપાશે અને વેક્સિન પણ તે જ સ્થળ પર આપવાની કામગીરી હાથ ધરાશે. આ કામગીરી સોમવારથી એક અઠવાડિયા સુધી ચાલશે તેમ જિલ્લા કલેકટરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો કન્ટેન્ટમેન્ટ ઝોનનું પાલન નથી કરતાં તેમની સામે FIR સુધીની કાર્યવાહી કરવા પણ અધિકારીઓને આદેશ અપાયા હોવાનું કલેકટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો:ભાવનગરમાંથી બહાર જવાં ઈચ્છતા લોકો માટે ખાસ RTPCR ટેસ્ટની વ્યવસ્થા કરાઈ
હોમ આઇશોલેશનનો ભંગ કરનારની સામે થશે FIR-જિલ્લા કલેક્ટર
રાજ્યસરકારની નવી ગાઈડલાઈન મુજબ કોરોના સંક્રમિત વ્યક્તિથી અન્ય કોઈને ચેપ ન લાગે તે માટે માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવાની સૂચના અપાઈ છે અને અધિકારીઓ આવા કન્ટેન્ટમેન્ટ ઝોન પર નજર પણ રાખશે. જો કોઈ વ્યક્તિ કન્ટેન્ટમેન્ટનો અથવા હોમ આઇશોલેશનના નિયમોનો વારંવાર ભંગ કરતો હશે તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાના આદેશ આજે જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લા કોર કમિટીની બેઠકમાં અધિકારીઓને આપ્યાં હતાં.
માસ્ક નહિ પહેરનારાઓ સામે થશે દંડાત્મક કાર્યવાહી
જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઘણી જગ્યાએ લોકો માસ્ક યોગ્ય રીતે પહેરતાં નથી, જેના લીધે કોરોનાનો ખતરો વધી જાય છે. તેથી દરેક જાહેરમાર્ગો પર માસ્ક નહિ પેહરનારાઓને પ્રથમ વખત માસ્ક આપી સમજાવવાની સાથે બીજી વખત પકડાય તો દંડાત્મક કાર્યવાહી કરવાના દિશા-નિર્દેશો પોલીસતંત્રને અપાયા છે.
આ પણ વાંચો:કપરાડા-રાજબારી બોર્ડર પર એન્ટીજન ટેસ્ટ કર્યા બાદ જ અપાઇ રહ્યો છે પ્રવેશ
જિલ્લામાં વિકલી લોકડાઉન અંગે કોઈ નિર્ણય કરાયો નથી
બનાસકાંઠા જિલ્લામાં હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેને લીધે તારીખ 10 અને 11 એપ્રિલના શનિવાર તેમજ રવિવારે પાલનપુર તેમજ ડીસાના વેપારીઓએ દુકાનો સ્વેચ્છાએ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે, આગામી સમયમાં જિલ્લામાં વિકલી લોકડાઉન લાગશે કે કેમ તે અંગે પૂછતાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, હાલમાં આવી કોઈ જ ચર્ચા થઈ નથી અને આ અંગે નિર્ણય રાજ્યસરકાર દ્વારા જ કરાતો હોવાનું તેમણે ઉમેર્યું હતું.