ડીસા : કોરોના વાઇરસને લઈને સમગ્ર વિશ્વ પરેશાન છે, ત્યારે 21 દિવસના લોકડાઉન થતા સમગ્ર દેશના લોકો ઘરમાં રહે છે. તો આ સાથે સરકાર કોરોના કેટલો ભયંકર છે તે માટે જનજાગૃતિ લઇ આવવા અનેક પ્રયાસો કરી રહી છે, ત્યારે હંમેશા ખુલ્લા ગગનમાં વિહરવા ટેવાયેલા બાળકો પણ શાળાઓ બંધ થતા ઘરમાં પુરાઈ ગયા છે, પણ ડીસામાં ઘરમાં બેઠેલા બાળકો પણ સોશિયલ મીડિયા થકી લોકોમાં કોરોના અંગે અવેરનેસ લઇ આવી રહ્યા છે.
ડીસામાં ધોરણ 10માં અભ્યાસ કરતી સંજના ટાંક પણ હાલ લોકડાઉનના કારણે ઘરમાં પુરાઈ ગઈ હતી, પરંતુ ઘરમાં બેસી રહેવાના તેણે ટીકટોક દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે. સંજનાએ અત્યાર સુધીમાં 100થી પણ વધુ ટિકટોક વીડિયો બનાવી શેર કર્યા છે, જેમાં કોરોના સામે જનજાગૃતિ અને મોદીની અપીલ માનવા જણાવ્યું છે. આ સાથે ધર્મ પર ચાલતા દેશને ઘરમાં બેસી ભગવાનને પ્રાર્થના કરવાની સાથે વડાપ્રધાન મોદીને સપોર્ટ કરવા પણ જણાવ્યું છે.
આ અંગે સંજના ટાંકે જણાવ્યું હતું કે, શાળાઓ બંધ છે અને વડાપ્રધાન મોદીએ 21 દિવસ લોકડાઉનનો આદેશ કર્યો છે, ત્યારે ઘરમાં બેસીને દેશવાસીઓને જાગૃત કરવા 100 જેટલા ટિકટોક વીડિયો બનાવ્યા છે. જેમાં કોરોના વાઇરસને ગંભીરતાથી લેવા, ઘર બહાર ન નીકળવા વડાપ્રધાન મોદીના આદેશનું પાલન કરવા જણાવ્યું હતું. સંજના ટાંકે વીડિયો અંગે જણાવ્યું હતું કે, તે અને તેનો ભાઈ ઘરે બેઠા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને હજારો લોકો તેમને ફોલો કરી વિનંતીને માની લાઈક પણ કરી રહ્યા છે.
હાલ લોકડાઉનને લઈને પરિવાર બાળકો સાથે વિવિધ ગેમ, રમત અને ટીવી જોઈને દિવસો પસાર કરે છે, ત્યારે આ સંજના ટાંક ટિકટોક દ્વારા કોરોના વાઇરસ મામલે લોકોને જાગૃત કરવા અને વડાપ્રધાન મોદીની અપીલને સાથ આપવા વીડિયો બનાવી લોકોને અપીલ કરે છે. આ અપીલને સૌ કોઈ લોકો બિરદાવી રહ્યા છે, તો સાથે ફોલો પણ કરી રહ્યા છે.