- ડીસામાં ફરી એકવાર બગીચાને લઈને વિવાદ સર્જાયો
- રાજ્યના વિકાસ કમિશ્નર ડી.કે.પારેખને રજૂઆત કરાઈ
- સરકાર તાત્કાલિક બગીચાનો સ્ટે. નહીં હટાવે તો ઉગ્ર આંદોલનની ચીમકી
બનાસકાંઠા: ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે, ત્યારથી શહેરના અનેક વિકાસના કામો થઇ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં શાશનમાં રસ્તાઓ, ગટરો તેમજ પાણીની સારી વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે પરંતુ ભાજપના જ સભ્યો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવતા આજે અનેક વિકાસના કામો નગરપાલિકાના અટકી પડ્યા છે.
બગીચો બંધ થતાં લોકોમાં પણ રોષ
ત્રણ વર્ષ અગાઉ ડીસા નગરપાલિકામાં ભાજપના પ્રમુખ પ્રવિણ માળી દ્વારા ડીસા શહેરમાં હરવા ફરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે હવાઈ પીલર ખાતે બગીચો બનાવવામાં આવ્યો હતો. આ બગીચામાં અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી હતી, જેના કારણે લોકોને વાર તહેવારોમાં ફરવા લાયક એક સારું સ્થળ મળી શકે. ભાજપના જ સભ્યો દ્વારા આ બગીચાનો વિરોધ કરતા સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ બગીચો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ભાજપના વિવાદથી અનેક કામો અટવાયા
ડીસાના મધ્યમાં હવાઈ પિલ્લરની ખુલ્લી જગ્યામાં શહેરીજનોના સુખાકારી માટે અઢી કરોડ ઉપરાંતની રકમથી અહીં નાનજી દેશમુખના નામથી ગાર્ડન બનાવવામાં આવ્યો હતો પણ ભાજપના નેતાઓને પોતાની આંતરિક વિખવાદનો ભોગ આ ગાર્ડન બન્યો છે. જેમાં ભાજપના એક જૂથે ફરિયાદ કરતા હવે ગાર્ડન જમીન ગોચમાં પડતા તેના પર સ્ટે આવ્યો છે. જેથી કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો બગીચો અત્યારે ધૂળ ખાતું જોવા મળી રહ્યું છે.
કરોડો રૂપિયાના વૃક્ષોનું વાવેતર
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણ માળી સતા પર હતા, ત્યારે લોકોની માગ સ્વીકારીને ડીસાના હવાઈ પિલ્લર વિસ્તારમાં વિશાળ ગાર્ડન અને અંદર ફૂડ પેલેસ બનાવવામાં આવ્યું હતું. ડીસાના બીજા નેતાઓને મનમાં આ વાત ખૂંચતા ઓપનિંગ સમયેજ સ્ટે લાવી બગીચાને તાળા મારવી દીધા હતા. ખોટા વિરોધ અરજીઓ કરીને ગાર્ડન પર સ્ટે લાવી દેતા હાલ ત્રણ વર્ષથી આ ગાર્ડન વેરાન હાલતમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પ્રકારના અંદર જાતજાતના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પણ બગીચાને મેન્ટેનન્સ ન મળતા ઘણા બધા વૃક્ષઓ બળીને નષ્ટ થયા છે. અંદર બાવાળીયા અને કાંટા ઉગી જતા ગાર્ડન વેરાન બન્યું છે. આવા સરસ મજાના ગાર્ડનને તાળા લાગી જતા અસામાજીક તત્વોને માટે આ ગાર્ડન અડ્ડો બની ગયો છે.
મુખ્યપ્રધાન કચેરી આગળ ધરણા પર બેસીને પણ ગાર્ડન ચાલુ કરાવીશું: વિપુલ શાહ
હાલ ગાર્ડનને લઈને ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલ શાહ મેદાને ઉતર્યા છે. વિપુલ શાહે ચીમકી આપી છે કે, જો આ ગાર્ડન લોકોના સુખાકારી માટે ખુલ્લુ મુકવામાં નહીં આવે તો આવનારા એક મહિના બાદ તેઓ ગાંધીનગર મુખ્યપ્રધાન કચેરી આગળ ધરણા પર બેસીને પણ ગાર્ડન ચાલુ કરાવીને રહેશે.
રાજ્ય વિકાસ કમિશ્નરને રજૂઆત
આ અંગે ડીસાની મુલાકાતે અવેલા વિકાસ કમિશ્નરને રજૂઆત કરતા તેમણે ગાર્ડનને ખુલ્લુ મુકવાની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહ્યું છે કે, પ્રજાના અઢી કરોડના ખર્ચે બનાવવામાં આવેલું ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવે છે કે પછી જે તે પરિસ્થિતિમાં જ રહેશે.