બનાસકાંઠા: જિલ્લાના વડગામ તાલુકામાં આવેલું ડાલવાણા ગામ એવું છે કે, જેણે હંમેશા પ્રેરણાદાયી કાર્યો થકી જિલ્લાભરમાં આગવી ઓળખ ઉભી કરી છે. આ ગામના યુવાનો, વડીલો અને દાતાઓ ભેગા મળીને ગામના વિકાસના કામોને આગળ ધપાવી રહ્યા છે. આ ગામ વિશે ઘણુંબધુ લખાયું પણ છે. ત્યારે હાલમાં જ ગામના યુવાનો દ્વારા કરવામાં આવેલા કાર્યની સૌ કોઈ સરાહના કરી રહ્યાં છે. જેમાં ગામના યુવાનો દ્વારા સંચાલિત શ્રી વિર ફાઉન્ડેશન દ્વારા ગામમાં આવેલા જાહેર સ્થળો, ગામના ગોંદરે બનાવવામાં આવેલા સુધીર વન અને ગામના ગૌરવ સમાન દિના સુધીર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે અન્ય વૃક્ષોની સાથે 103 જેટલા કોનોકાર્પસના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જે વૃક્ષોની પૂરતી માવજતથી તે સુંદર અને ઓછા સમયમાં મોટા વૃક્ષો બની ગયા હતા. પરંતુ આ કોનોકાર્પસના વૃક્ષો પર્યાવરણ અને માનવ જીવન માટે નુકસાનકારક હોવાનું તારણ સામે આવતાં ગુજરાત વન વિભાગ દ્વારા ગત તા. 26 સપ્ટેમ્બરના રોજ આ વૃક્ષોનો ઉછેર ન કરવા પરિપત્ર જાહેર કરાયો હતો. જે બાબતે ડાલવાણા ગામના યુવાનોએ વધુ સમયની રાહ ન જોતા કોનોકાર્પસના વૃક્ષોનું નિચ્છેદન કર્યુ હતું.
વનવિભાગના પરિપત્રનો તાત્કાલિક અમલ: વનવિભાગ દ્વારા મળેલા પરિપત્રના બીજા જ દિવસે એટલે કે, તા.27 સપ્ટેમ્બરની સવારથી જ ગામમાં વાવેલા 103 જેટલા કોનોકાર્પસના વૃક્ષોનું છેદન કરીને ત્યાં મોડી રાત સુધીમાં નવા પીપળાના વૃક્ષો વાવી દીધા હતા. એક દિવસમાં 103 વૃક્ષો નિકાળી તેની સામે 110 વૃક્ષો વાવી ગામના યુવાનોએ પ્રકૃતિ પ્રત્યેનો અનોખો પ્રેમ ઉજાગર કર્યો છે અને ગામ, સમાજ અને પર્યાવરણની જાળવણીમાં એક પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. તો વન વિભાગે પણ ડાલવાણા યુવાનોના આ કાર્યની સરાહના કરી હતી.
ગામના યુવાનોની સજાગતા: આ અંગે ઈટીવી ભારત સાથે વાત કરતા ગામનાં યુવાનોએ જણાવાયું હતુ કે, અમે થોડા સમય પહેલાં જે વૃક્ષારોપણ કર્યું હતું એમાં કોનોકાપર્સના લગભગ 103 જેટલા વૃક્ષો વાવ્યા હતા અને એ વૃક્ષોનો સારો ઉછેર કરીને અમે મોટા કર્યા હતા પરંતુ તાજેતરમાં વન વિભાગનો જે પરિપત્ર જાહેર થયો અને એમાં સૂચના આપવામાં આવ્યાં હતાં કે, આ ઝાડને કારણે જમીન તેમજ આજુબાજુમાં ઉભેલા વૃક્ષોને પણ નુકસાન થાય છે, સાથે-સાથે વાતાવરણમાં પણ ખૂબ મોટું નુકસાન થાય છે તેથી અમે તાત્કાલિક ધોરણે બીજા જ દિવસે આ તમામ વૃક્ષો કાઢી નાખ્યા અને પીપળાના 110 જેટલા વૃક્ષો વાવ્યાં અને સરકારના આ પરિપત્રને આવકાર્યો.
કોનોકાપર્સ વૃક્ષના ગેરફાયદા: મહત્વપૂર્ણ છે કે, કોનોકાપર્સ વૃક્ષ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે નુકસાનકારક છે. હરિયાળી અને સુશોભન માટે ઉગાડવામાં આવતું કોનોકાર્પસ વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે. કારણ કે સુંદર અને સુશોભનભરી વૃક્ષ દેખાતું આ વૃક્ષ હકીકતમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ખુબ નુકસાનકારક હોવાના કારણો સામે આવ્યા છે. આ અંગે બનાસકાંઠાના અમીરગઢ રેંજના આરએફઓ ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,આ વૃક્ષનાં ફૂલોનો કોઈ ઉપયોગ નથી અને પક્ષીઓ પણ તેનાં પર માળા બાંધતા નથી. આ વૃક્ષ મોટી માત્રામાં ભૂગર્ભ જળ શોષી લે છે. તેની ખામીઓ ઘણી છે. અને ઉપયોગ માત્ર સુંદરતા અને આકર્ષણ માટે છે. વળી બનાસકાંઠા જિલ્લો સુકો વિસ્તાર ગણાય છે અને આ વૃક્ષ પુષ્કળ પ્રમાણમાં પાણી શોષી લે છે તેથી પણ આ વૃક્ષ વાવવું હિતાવહ નથી. સાથેજ આ વૃક્ષના ફુલથી ચામડીના રોગો થવાનું પણ સામે આવી રહ્યું છે. તેથી અમે વનસ્પતિશાસ્ત્રી તરીકે લીમડો, વડ જેવા સ્વદેશી વૃક્ષો રોપવાનું કહી રહ્યા છીએ."