બનાસકાંઠા: થરાદમાં કોંગ્રેસ ભાજપ પર દિવસેને દિવસે ભારે પડી રહ્યું છે અને થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા લીધા બાદ નગર પાલિકાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. થરાદ નગરપાલિકાની બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી. થરાદ નગરપાલિકામાં આમ તો ભાજપની બહુમતી છે. જેમાં ભાજપ પાસે કુલ 12 સભ્યો જ્યારે કોંગ્રેસ અને અપક્ષ પાસે 8-8 સભ્યો છે, અને અત્યાર સુધી થરાદ નગરપાલિકા પર ભાજપનું શાસન હતું, પરંતુ બીજા ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી નગરપાલિકાની સત્તા પણ આંચકી લીધી છે.
આ પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખને ભાજપના 6 અને અપક્ષના 6 સભ્યોના ટેકાથી કુલ 17-17 મત મળતા કોંગ્રેસ વિજયી બની છે. ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખને કુલ 11-11 મતો મળ્યા હતા. આમ સાંસદ સભ્ય પરબત પટેલના હોમ ટાઉનમાં જ કોંગ્રેસ એક પછી એક ઝટકો આપી મજબૂત બની રહી છે. જેમાં બીજી ટર્મની નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં પ્રમુખ તરીકે જાનકીબેન ઓઝા અને ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત તરીકે ચૂંટાઈ આવતા કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી.
બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલના ગઢમાં ફરી એકવાર કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. જેનાથી દિવસેને દિવસે થરાદમાંથી ભાજપ પર કોંગ્રેસ અઘરું પડી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ભાજપને થરાદમાં એક પછી એક મોટો ઝટકો મળી રહ્યો છે, ત્યારે થરાદ ખાતે યોજાયેલી નગરપાલિકાની બીજી ટર્મની ચૂંટણીમાં પણ ભાજપને કોંગ્રેસે મોટો ઝટકો આપી વિજય મેળવ્યો હતો. વિજય મેળવતાની સાથે જ અભિનંદન પાઠવવા માટે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ આ લોકો માટે જીત એટલી મહત્વની હતી કે, કોરોના વાઇરસની મહામારી પણ ભૂલી ગયા હતા અને ભવ્ય વિજય વરઘોડો બજારોમાં નીકળ્યો હતો. જ્યાં કોઈના પણ મોઢા પર માસ્ક જોવા મળ્યું ન હતું.
આટલું જ નહીં પરંતુ સરકાર એક તરફ ફરજિયાત માસ્ક પહેરવાની જાહેરાત કરી રહી છે, ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પોતે સરકારમાં હોવા છતાં પણ જાણે તેમને કોરોના વાઇરસથી કંઈ લેવા દેવા ન હોય તેમ તેઓ પણ કોંગ્રેસના વરઘોડામાં માસ્ક વગર જોવા મળ્યાં હતાં, ત્યારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા આ તમામ લોકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે.