બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનાની શરૂઆત થતા બીમારીઓએ માથું ઉચક્યું છે. ડીસા તાલુકામાં આવેલા મહાદેવીયા ગામના ચાર લોકોમાં ચિકનગુનિયાના લક્ષણો જોવા મળ્યા હતા. મહાદેવિયા ખાતે રહેતા પ્રતાપભાઈ પઢિયારના પરિવારના ત્રીસ વર્ષીય કમલાબેન, ત્રિસ વર્ષીય સિતાબેન, ચૌદ વર્ષીય સપનાબેન અને નવ વર્ષીય નારણભાઇને અચાનક તાવ આવતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ખાનગી તબીબે સારવાર આપ્યા બાદ આ ચારેય દર્દીઓમાં ચિકનગુનિયાના લક્ષણો હોવાનું જણાવ્યું હતું.
મહાદેવિયા ગામમાં ચિકનગુનિયાના કેસ હોવાનું સામે આવતા ડીસાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. બિમાર દર્દીઓના ઘરે જઈ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કર્યા બાદ દર્દીઓના રક્તના નમુના લઈ નિરીક્ષણ અર્થે મોકલ્યા હતા.