લોકસભા ચૂંટણી નજીક આવતા સોશિયલ મીડિયામાં લોકો દ્વારા એકબીજા રાજકીય પક્ષો સામે ટીકા-ટિપ્પણી કરતા લખાણો ફરતા થઈ જવા પામ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની બેઠકની ટિકિટ સતત 7મી વખત ચૌધરી સમાજના આગેવાન અને રાજ્યપ્રધાન પરબત પટેલને ફાળવતા ચૌધરી સમાજના કેટલાક લોકોએ જિલ્લામાં ચૌધરી સમાજનો દબદબો રહ્યો છે. તે બાબતે અન્ય સમાજોની લાગણી દુભાય તેવા લખાણો ફેસબુક અને વ્હોટ્સઍપ સહિતના સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા છે.
જેમાં ડીસા તાલુકાના કાંટ ગામના વતની અને અખિલ આંજણા ચૌધરી સમાજના યુવા પાંખના પ્રમુખ આનંદ ચૌધરીના ફૅસબુક ઍકાઉન્ટમાં પુરાભાઈ પટેલ નામના શખ્સે આ રીતના અન્ય સમાજની લાગણી દુભાય તેવા મેસેજ પૉસ્ટ કરીને આનંદ ચૌધરીના ફૅસબુક ઍકાઉન્ટને ટેગ કરતા આનંદભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ નોંધાવી છે.
તો આ મામલે આનંદભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, “સવારે ઊઠીને મારૂં ફૅસબુક ઍકાઉન્ટ ખોલતા જ પુરાભાઈ પટેલ નામના વ્યક્તિએ આ રીતના અન્ય સમાજની લાગણી દુભાય તેવા મેસેજ પૉસ્ટ કરી મારા ઍકાઉન્ટ સાથે ટેગ કર્યા છે. જેથી મારા ફોલોવર્સ પણ આ મેસેજ વાંચી શકે છે. જેથી આ કૃત્ય કરનાર સામે મેં બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી છે.”