- જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઉજવાયો રાષ્ટ્રીય મતદાતા દિવસ
- ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઓનલાઇન માધ્યમથી જોડાયા
- કલેકટરે નવીન મતદારોને શુભકામના પાઠવી લોકશાહીને મજબૂત કરવાનો આપ્યો સંદેશ
બનાસકાંઠા: ભારતીય ચૂંટણી પંચ દ્વારા સોમવારે રાજ્યભરમાં ઓનલાઇન વર્ચ્યુલ માધ્યમથી રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બનસકાંઠા જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં ઉજવણી કરાઈ હતી. જે દરમ્યાન તમામ જિલ્લાઓના કલેકટર તેમજ વહીવટી અધિકારી, કર્મચારીઓને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સંબોધિત કરાયા હતા. તેમણેે જણાવ્યું હતું 18 વર્ષની ઉંમર પુરી કરનાર નવા મતદાતાઓ લોકશાહી મજબૂત કરવા સહયોગ આપે. તેમજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પણ જણાવ્યું હતું કે, આગામી ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, જેમાં મતદાતાઓ વધુને વધુ મતદાન કરી સાચા અર્થમાં લોકશાહીને સાકાર કરે તે જરૂરી છે તેમ તેઓએ જણાવ્યું હતું.
શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું કરાયું સન્માન
બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે મતદાર નોંધણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કર્યું હતું. શ્રેષ્ઠ કર્મયોગીઓને એવોર્ડ તેમજ પ્રમાણપત્ર આપી કલેક્ટરે તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ પોતાના વક્તવ્યમાં નવા ઉમેરાયેલા યુવાન મતદાતાઓનું વેલકમ પણ કલેકટરે કર્યું હતું.