બનાસકાંઠાઃ ડીસા શહેરમાં કોરોના વાઇરસને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું તે પહેલા ડીસા નગરપાલિકામાં પ્રમુખ તરીકે શિલ્પાબેન માળી ફરજ બજાવતા હતા. ત્યારબાદ શિલ્પાબેન સામાજિક કારણોસર ડીસા નગરપાલિકા પ્રમુખ તરીકેના પદ પરથી રજા પર ઉતરી ગયા હતા. જેથી ડીસા નગરપાલિકાના પ્રમુખ પદનો ચાર્જ ડીસા નગરપાલિકા કોર્પોરેટર કાંતિ સોનીએ સંભાળ્યો હતો.
પ્રમુખ પદનો ચાર્જ સાંભળતા જ કાંતિ સોની દ્વારા ડીસા શહેરના વિકાસ માટેના કામો શરૂ કરવામાં આવ્યાં હતા. કાંતિ સોનીએ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન રોડ, પાણી અને સ્વચ્છતાનો સંદેશો લોકોને આપ્યો છે.
ડીસા નગરપાલિકા ખાતે કાંતિ સોનીની અધ્યક્ષતામાં પ્રથમ જનરલ બોર્ડ કોરોના વાઇરસની મહામારી બાદ યોજવામાં આવી હતી. આ જનરલ બોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના સભ્યો દ્વારા અનેક મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થતાની સાથે આ બેઠકમાં હાજર ડીસા રાજપુર વિસ્તારના કોર્પોરેટર પરાગ પઢીયારને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી નગરપાલિકાના તમામ કોર્પોરેટરોને હાલ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, પરંતુ અમુક રાજકીય આગેવાનો આ કેસમાં સંડોવાય નહીં તે માટે બેઠકના CCTV નગરપાલિકાના કર્મચારી પાસેથી ગાયબ કરી દેવામાં આવ્યા છે.
આ બાબતની જાણ ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિ સોનીને થતા તેમણે તાત્કાલિક ધોરણે CCTV ગાયબ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ડીસા ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને અરજી કરી છે.
આ ઘટના અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ડીસા નગરપાલિકાના જનરલ બોર્ડની જે બેઠક યોજાઈ હતી, તે બેઠકમાં પાલિકાના કોર્પોરેટરને કોરોના પોઝિટિવ મળતાં તમામ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. આ બેઠકના CCTV કોઈ કર્મચારીએ રાજકીય આગેવાનના કહેવાથી ગાયબ કરી દીધા છે. જેથી આ અંગેની અરજી ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખ કાંતિ સોની દ્વારા આપવામાં આવી છે. આ ઘટનામાં સામેલ થનારા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.