ભાભર તાલુકાના બરવાળા ગામે કૌટુંબિક ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ હતી.જ્યારે 5 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. વારંવાર ઝઘડાના કારણે ખોટી ફરિયાદો થતાં તેની અદાવતનો કરૂણ અંજામ આવ્યો હતો. આ બનાવની વિગત મુજબ ભાભર તાલુકાના બરવાળા ગામે રહેતા જીવાભાઈ વાલજીભાઈ પરમાર અને તેમના ભાઈ નરસિંહભાઈ વાલજીભાઈ પરમારના પરિવાર વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઝઘડાઓ ચાલતા હતા. જેના કારણે અનેક વખત પોલીસ ફરિયાદ પણ નોંધાઇ હતી.
જેની અદાવત રાખી શુક્રવારે રાત્રે જીવાભાઈ પોતાના ઘરમાં સુતા હતા ત્યારે તેમના ભાઈ નરસિંહભાઇ પરમાર અને તેમના દીકરા જગદીશભાઈ નરસિંહભાઈ પરમાર તેમજ રણજીત નરસિંહભાઈ પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી જઇ ખાટલા પર સુઈ રહેલા જીવાભાઇને ઊંઘમા જ છરી, ધારિયા અને ટોમી વડે આડેધડ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં તેમનુ ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે જીવાભાઇની પત્ની અને તેમના પુત્રો પર પણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પરિવારની ચીસો સાંભળી આજૂ-બાજૂથી લોકો દોડી આવતા 3એ પિતા-પુત્ર નાસી ગયા હતા. જ્યારે ઘાયલોને ભાભર બાદ વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. ભાભર પોલીસે આરોપી પિતા અને તેના 2 પુત્રો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવથી ગામમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યારે પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.