બનાસકાંઠા: કોરોના વાઇરસને લઇ અત્યારે સમગ્ર રાજ્યની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે ત્યારે બનાસકાંઠા જિલ્લો પણ ગુજરાત અને રાજસ્થાનની બોડર પર આવેલો હોવાથી અને અહીં બોર્ડર પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ અંતરિયાળ વિસ્તારોમાં થઇ કેટલાય રાજસ્થાનના લોકો બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશે છે.
આ કારણે બોર્ડર પર આવેલા ધાનેરા તાલુકાના રતનપુર ડુગડોલ ગામના લોકોએ જાતે જ પોતાના ગામની બોડર સીલ કરી દીધી છે . ધાનેરા તાલુકાને અડીને આવેલી રાજસ્થાની 12 જેટલી બોર્ડર સિલ કરવા માટે આદેશ કરવામાં આવ્યા છે તેમ છતાં પણ મોટા પ્રમાણમાં લોકો રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહ્યા હતા. જેમાં અત્યાર સુધી ડુગડોલ ગામના સરપંચ ,તલાટી અને ગ્રામજનો દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ લોકો ન સમજતા આખરે સરપંચ ,તલાટી અને ગ્રામજનોએ આજે ભેગા મળી રાજસ્થાન તરફથી પોતાના ગામમાં આવતા માર્ગ ને બંધ કરી દીધો.
માર્ગ પર બાવાળો અને લાકડા નાખી ગામના પ્રવેશદ્વારને બંધ કરી સિલ કરી દીધો જેથી પોતાના ગામને કોરોના વાઇરસના સંક્રમણથી બચાવી શકાય. રતનપુર ડુગડોલ ગામના લોક લોકોએ જાગૃતિ દાખવી પોતાના ગામને કોરોના વાયરસના સંક્રમણથી ગામને બચાવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે દરેક લોકો જો આ રીતે પોતાને, પોતાના પરિવારને અને પોતાના ગામને બચાવવાનો પ્રયાસ કરશે તો ચોક્કસ કોરોના વાઇરસ ને જલ્દી ખતમ કરી શકાશે..