ભુપેન્દ્રભાઈ ૧૯૯૧ના વર્ષમાં પ્રથમવાર રક્તદાન કર્યું હતું. ૧૯૨ વખત રક્તદાન કરનાર ભુપેન્દ્રભાઈએ રક્તદાન કરીને અનેક લોકોના જીવ બચાવ્યા છે. આટલું ઉમદા કાર્ય કરનાર ભુપેન્દ્રભાઈના પિતા નાનાલાલ દવે થેલેસેમિયાની બીમારીથી પીડાતા હતાં. તે દરમિયાન ડાયાલીસીસ માટે વારંવાર રક્તની જરૂરિયાત પડતી હતી અને તેના લીધે ભુપેન્દ્રભાઈને વારંવાર રક્તની જરૂરિયાત સર્જાતી હતી. પરંતુ, છેલ્લે તેમના પિતાને સમયસર રક્ત ન મળતા તેમને પોતાના પિતાને ખોવાનો વારો આવ્યો હતો.
બસ ત્યારથી તેઓએ રક્તદાન કરવાની શરૂઆત કરી દીધી છે. બીજા કોઈ પરિવારને તેમની જેમ પોતાના પરિવારનો વ્યક્તિ ખોવાનો વારો ન આવે તે હેતુથી રક્તદાન કરવાની શરૂઆત કરી છે. તેમના દ્વારા ઓલ ઇન્ડિયામાં રક્તદાન માટેની ટીમ ઉભી કરી જેના કારણે ભારતના કોઈ પણ ખૂણે કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂર પડે તો સમયસર મળી રહે છે. તેમના દ્વારા હાંસલ કરવામાં આવેલી આ સિધ્ધી બદલ પંજાબ ખાતે તેમનું નેશનલ હ્યુમન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જે એવોર્ડ મળતા ભુપેન્દ્રભાઈ અને તેમના પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.