બનાસકાંઠાઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો ચીંતીત જોવા મળી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ધારાસભ્ય દ્વારા મંગળવારે નીલકંઠ મહાદેવના મંદિરે અમિત શાહના દીર્ઘાયુ આયુષ માટે અભિષેક કરાયો હતો.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના પૂર્વ રાષ્ટીય અધ્યક્ષ અમિત શાહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા અમિત શાહ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે યજ્ઞ, પૂજા અને આરાધના કરાઈ રહી છે.
જિલ્લાના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ડીસાના નીલકંઠ મહાદેવના મંદિરે રુદ્રા અષ્ટાધ્યાયી અભિષેક કરવામાં આવ્યો હતો. આ તકે ડીસા સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ બાબતે ધારાસભ્યે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અને હિંદુ હૃદય સમ્રાટ અમિત શાહ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે આ અભિષેક કરવામાં આવ્યો છે. અમિત શાહના સમયમાં દેશમાં અનેક વર્ષો જુના કામો જેવા કે અયોધ્યા વિવાદ, કાશ્મીર પ્રશ્નને લઇ અનેક નિર્ણયો લઈ સમગ્ર દેશ માટે ગૌરવરૂપ સાબિત થયા છે, ત્યારે તેઓ જલ્દી સ્વસ્થ થઇ જાય તે માટે આ અભિષેક કરવામાં આવ્યો છે.