બનાસકાંઠા : ડીસા નગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની મુદત પૂર્ણ થતા બીજા અઢી વર્ષના પ્રમુખ તરીકે સંગીતાબેન દવેની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે આજે પાલિકાની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. જોકે આ સામાન્ય સભામાં ભાજપના જ કેટલાક સદસ્યો અને અપક્ષ સદસ્ય પ્રી-પ્લાનિંગ કરી હંગામો મચાવશે તેવી પહેલેથી જ શક્યતા હતી. આ શક્યતા જાણે સાચી સાબિત થઈ હોય તેમ સામાન્ય સભા કુસ્તીનું મેદાન બની ગયું હતું.
ડીસા પાલિકાની સભામાં હોબાળો : ડીસા નગરપાલિકા જનરલ બોર્ડની શરૂઆત થતા જ મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રજૂ કરેલા મહિલા અનામત બિલ મંજુર થવા પર સર્વે સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. જોકે ત્યારબાદ તુરંત જ સામાન્ય સભાની કાર્યવાહીની શરૂઆત થતા અપક્ષ સદસ્ય રમેશભાઈ રાણા તેમજ ભાજપના જ કેટલાક કોર્પોરેટરોએ પ્રમુખ સામે એક સાથે પ્રશ્નોની ઝડી વરસાવી હતી. પ્રમુખે તેઓને એક બાદ એક જવાબ આપવા જણાવતાં સભ્યો મંચ પર ઘસી આવ્યા હતા. તેથી કેટલાક મહિલા સદસ્ય પાલિકા પ્રમુખ તરફે થતા રજૂઆત કરનાર સભ્યોએ રીતસરની ધમાચકડી મચાવી હતી. ભારે હંગામા વચ્ચે પાલિકા પ્રમુખે સામાન્ય સભાની કાર્યવાહીનું વંચાણ કરી બોર્ડને પૂર્ણ જાહેર કરી દીધું હતું.
અપક્ષમાંથી ચૂંટાયેલા રમેશભાઈ રાણાએ બોર્ડ ચાલતું હતું તે દરમિયાન અમારું ઘોર અપમાન કર્યું હતું. અમારી ગરિમા આજે સચવાઈ નથી. આ બાબતે અમે પાર્ટીમાં રજૂઆત કરીશું. -- સંગીતાબેન દવે (ડીસા નગરપાલિકા પ્રમુખ)
મહિલા સભ્યોનો આરોપ : આ બાબતે ભાજપના સદસ્યએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમારા ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. બધા બેઠકમાં બેઠા હતા તે દરમિયાન પ્રમુખ બધાને સાંભળતા હતા. પરંતુ ભાજપના જ અમુક સદસ્યો દ્વારા એક સાથે પ્રશ્નો કરીને પ્રમુખને બોલવાના દેતા નહોતા. તેઓ પ્રમુખને દબાવવાની કોશિશ કરતા હતા ત્યારે મેં કહ્યું કે, તમે તમારી જગ્યાએ બેસીને શાંતિથી રજૂઆત કરી શકો છો. ત્યારે રમેશભાઈ રાણા જે કોર્પોરેટર છે તે ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગ્યા હતા. રમેશભાઈ રાણાએ મને એવું કહ્યું કે, તમારે વચ્ચે બોલવાનું નહીં તમને કોઈ બોલવાનો અધિકાર નથી, તમે બોલશો તો તમને મારીશ. આમ તેઓએ એક નારી શક્તિનું અપમાન કર્યું છે. ત્યારે અમે આ બાબતે પાર્ટીમાં રજૂઆત કરવાના છીએ અને રમેશભાઈ રાણાની ફરિયાદ કરવાના છીએ.
મેં મહિલાનું કોઈ અપમાન કર્યું નથી. હું એક પણ અપશબ્દ બોલ્યો નથી, તમે મીડિયાના માધ્યમથી સાંભળી શકો છો. બોર્ડ ચલાવવાનો અધિકાર અધ્યક્ષને જ હોય છે. અન્ય કોઈ વ્યક્તિને કાયદાની જોગવાઈ મુજબ વચ્ચે બોલવાનો અધિકાર નથી. -- રમેશભાઈ રાણા (સભ્ય, ડીસા નગરપાલિકા)
રમેશભાઈ રાણાનું નિવેદન : આ બાબતે મીડિયા સાથેની વાતમાં રમેશભાઈ રાણાએ જણાવ્યું હતું કે, આજે ડીસા નગરપાલિકા જનરલ બોર્ડ હતું. ત્યારે આ બોર્ડ ચલાવવાનો અધિકાર અધ્યક્ષને જ હોય છે અને અધ્યક્ષ બોર્ડ ચલાવતા હોય છે. જેમાં પ્રશ્નો કરવાનો અધિકાર પણ જે ચૂંટાયેલા સદસ્ય હોય છે તેમને હોય છે અને તે પ્રશ્નો કરતા હોય છે. ત્યારે અન્ય કોઈ વ્યક્તિને કાયદાની જોગવાઈ મુજબ વચ્ચે બોલવાનો અધિકાર નથી. જ્યાં અધ્યક્ષ એટલે કે પ્રમુખ બેઠા હોય છે ત્યાં આગળ આવીને બોલવાનો તેમનો બિલકુલ અધિકાર નથી. એમને એવું લાગે છે કે હું અધ્યક્ષ છું. એટલે એ અમારી રજૂઆત થતી હતી એ સમયે વચ્ચે આવીને બોલ્યા.
બેઠકમાં પ્રમુખ બધાને સાંભળતા હતા. રમેશભાઈ રાણા જે કોર્પોરેટર છે તે ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગ્યા હતા. મને એવું કહ્યું કે, તમારે વચ્ચે બોલવાનું નહીં તમને કોઈ બોલવાનો અધિકાર નથી, તમે બોલશો તો તમને મારીશ. -- ઉષાબેન નાઈ (સભ્ય, ડીસા નગરપાલિકા)
મહિલા સભ્યનું અપમાન ? રમેશભાઈ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં મહિલાનું કોઈ અપમાન કર્યું નથી. હું એક પણ અપશબ્દ બોલ્યો નથી, તમે મીડિયાના માધ્યમથી સાંભળી શકો છો. બેન કેવી રીતે બોર્ડ ચલાવતા હતા કે નાનું છોકરું જાણે કક્કો કે બારાક્ષરી વાંચતું હોય તેવી રીતે વાંચતા હતા. ખરેખર જોગવાઈ એવી છે કે જે પણ મુદ્દાઓ હોય તે વંચાણે લેવાના હોય અને તેની ચર્ચા વિચારણા કરવાની હોય. ચૂંટાયેલા સભ્યો એમાં પ્રશ્નો કરતા હોય છે અને તેનું નિવારણ આવ્યા બાદ એજન્ડા મુજબ જે તે મુદ્દો પૂરો થતો હોય છે.
પાર્ટીમાં ફરિયાદ થશે ? આ બાબતે ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડીસાના વિકાસ માટે આજે અમારું પહેલું બોર્ડ હતું. ત્યારે અપક્ષમાંથી ચૂંટાયેલા રમેશભાઈ રાણાએ બોર્ડ ચાલતું હતું તે દરમિયાન અમારું ઘોર અપમાન કર્યું હતું. નરેન્દ્ર મોદી સાહેબ જે નારીને 33 % અનામત આપતા હોય તો એની જગ્યાએ આજે અમારું અપમાન થયું છે અને અમારી ગરિમા આજે સચવાઈ નથી. આ બાબતે અમે પાર્ટીમાં રજૂઆત કરીશું.