બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ હતી. અને આ વર્ષે પણ અન્ય જિલ્લાઓની સરખામણીમાં વરસાદ બરાબર થયો નથી. તળાવો ભરવાથી પાણીના તળ જળવાઈ રહેવાની સાથે સાથે કેટલાક વિસ્તારોમાં તળ ઊંચા આવ્યા છે, જેના કારણે ખેતીમાં પાણીની સમસ્યામાં મહદ અંશે ફાયદો થઇ રહ્યો છે.
નર્મદા ડેમ ઓવરફ્લો થતા તેનું પાણી અન્ય જીલ્લોઓમાં તળાવો અને જળાશયોમાં નાખવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત બનાસકાંઠામાં પણ આ નર્મદાની 80 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા જિલ્લાના 45 જેટલા તળાવો, સુજલામ સુફલામ કેનાલ અને દાંતીવાડા ડેમમાં પાણી નાખવામાં આવ્યું છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા બે વર્ષથી ઓછા વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા પાણી માટે અનેકવાર સરકાર સામે આંદોલન પણ કરવામાં આવ્યા હતાં. નર્મદા ડેમમાં પાણીની આવક વધતા બનાસકાંઠા જિલ્લાના તળાવોમાં પાણી નાખવામાં આવતા પાણીના તળ નીચે જતા રહ્યા હતા. તે ઉપર આવી ગયા છે. બીજી તરફ ખેડૂતોના ઉભા પાકને સમયસર પાણી મળી રહેતા હવે પાકોને પણ નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. હાલ નર્મદાનું પાણી તળાવોમાં બંધ કરવામાં આવતા તળાવોના પાણી સુકાઈ રહ્યા છે. હાલ ગામના સરપંચ અને ખેડૂતોની માંગ છે કે, ફરી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લાના તળાવો પાણીથી ભરવામાં આવે, જેનાથી ખેડૂતોને ફાયદો થાય.