વૃક્ષોની સંખ્યા ન માત્ર શહેરી વિસ્તારોમાં જ ઘટી છે પરંતુ જંગલ વિસ્તારમાં પણ વૃક્ષો ઓછા થયા છે. જેના કારણે હવે જંગલમાં રહેતા પ્રાણીઓ માટે આ પડકારરૂપ બન્યું છે. જંગલમાં વૃક્ષોની સંખ્યા વધે તે માટે બનાસકાંઠા વન વિભાગ કામે લાગ્યું છે. બનાસકાંઠા વન વિભાગે માટીના સીડ બોલ તૈયાર કર્યા છે.
વન વિભાગ વરસાદ પહેલા જંગલમાં છુટા છવાયા બીજ ફેંકતા હતા. પરંતુ તે પધ્ધતિમાં વરસાદ બાદ જે નવા વૃક્ષો વધવા જોઈએ તે વધતા ન હતા. જેથી આ વર્ષે જંગલમાં છુટા બીજને બદલે ખાસ પ્રકારના સીડ બોલ બનાવવામાં આવ્યા છે. વન વિભાગને આશા છે કે પદ્ધતિથી જંગલો ફરી ઘટાદાર વૃક્ષોથી ઘેરાય જશે.
વરસાદની મોસમમાં સીડ બોલ જમીનમાં તુરંત ચોંટી જાય છે અને તેમાં રહેલું બીજ જલ્દી અંકુરણ પામે છે સાથે જ તળાવની કાંપ વાળી માટીમાંથી તેને પોષકતત્ત્વો મળે છે. બનાસકાંઠા વન વિભાગમાં રીંછ, દિપડા, સુઅર, વાંદરા નું પ્રમાણ વધુ છે, ત્યારે આ પ્રાણીઓને અનુરૂપ વૃક્ષોની સંખ્યા વધે તે માટે ખાસ આ સીડ બોલ બનાવવામાં આવ્યા છે. આ અગાઉ, રોપા ઉછેરવામાં આવતા હતા પરંતુ તેમાં ધારી સફળતા ન મળતા હવે વન વિભાગ નવા પ્રયત્નો કરી રહ્યું છે, ત્યારે જોવાનું રહેશે કે આ મહેનત કેટલી કારગર સાબિત થાય છે.