બનાસકાંઠા: ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામના સામાન્ય વરસાદમાં પણ મેઘવાળ વાસમાં પાણી ભરાઈ જાય છે. કારણ કે, વરસાદી પાણીના નિકાલનો રસ્તો જ નથી. જે રસ્તો છે તે રસ્તા ઉપર માટીની પાળ બાંધી દેવામાં આવી છે. તેથી આ વરસાદી પાણી રહેણાંક ઘરોની પાસે જ પડ્યા રહે છે. જો વરસાદ વધુ પડે તો વરસાદી પાણી ઘરોમાં પણ ઘુસી જતા હોય છે. મેઘવાળ વાસમાં 20થી વધુ મકાનો આવેલા છે અને વરસાદી પાણી ભરાઈ જવાના લીધે લોકો રહેણાંક વિસ્તારમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે. તે ઉપરાંત વરસાદી પાણીમાં ચાલવાના લીધે બાળકોના પગોમાં છાલા પડી ગયા છે.
આ સમગ્ર મામલાને લઈને અનાપુર છોટા ગામના રહીશો દ્વારા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તેમને તાત્કાલિક અનાપુર છોટા ગામના મેઘવાળ વાસમાં ભરાયેલી વરસાદી પાણીનો નિકાલ કરાવીને સી.સી.રોડ બનાવવાની રજૂઆત કરી હતી. તે ઉપરાંત જે લોકો રસ્તામાં રેતીના પાળાઓ બાંધીને રાખે છે તેમના સામે પણ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. હવે જોવાનું એ રહેશે કે અનાપુર છોટા ગ્રામ પંચાયત આ સમગ્ર મામલાને લઈને કાર્યવાહી કરે છે કે, પછી એમ જ મેઘવાળ વાસના લોકો વરસાદી પાણીની સમસ્યાથી પીડાતા રહેશે.
મહત્વનું છે કે, આ વરસાદી પાણી મેઘવાળ વાસમાં 5 થી 6 દિવસ સુધી પડ્યા રહે છે. છતાં પણ ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવતો નથી. જો આ વરસાદી પાણીના લીધે મચ્છરજન્ય રોગો અથવા રોગચાળો ફાટી નીકળ્યો તો તેના માટે જવાબદાર કોણ રહેશે.