બનાસકાંઠા : ડીસામાં આદર્શ હાઇસ્કુલ પાછળ વિશ્વ શાંતિ સોસાયટી તરફ જવાના માર્ગ પર બંને તરફ વર્ષોથી લોકો દબાણ કરીને રહે છે. દબાણદારોએ કાચા અને પાકા મકાનો બનાવી ધીમે ધીમે આ માર્ગ સાંકડો બની ગયો હતો. જેના કારણે અહીંથી નીકળતા લોકોને ખૂબ જ મુશ્કેલી વેઠવી પડતી હતી. જે માટે સ્થાનિક લોકોની રજૂઆતને પગલે નગરપાલિકા હવે વિકાસ અંતર્ગત 40 ફૂટનો રોડ બનાવી રહી છે. જેથી આ માર્ગ પરના 14 જેટલા દબાણદારોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ દબાણદારોએ દબાણ દૂર કર્યા ન હતા.
નગરપાલિકાએ રાખી રહેમ : જેથી આજે ડીસા નગરપાલિકાની ટીમ દબાણ હટાવવા માટે સ્થળ પર પહોંચી હતી, પરંતુ મકાનોમાં સામાન પડ્યો હોવાથી અને દબાણદારોએ વિરોધ કરતા નગરપાલિકાએ રહેમ દ્રષ્ટિ રાખી વધુ 24 કલાકનો સમય આપ્યો છે અને જો 24 કલાકમાં દબાણદારો જાતે જ દબાણ દૂર નહીં કરે તો નગરપાલિકા જેસીબી મશીન દ્વારા તમામ દબાણ તોડી પાડશે તેમ જણાવ્યું હતું.
દબાણ કરી બેઠેલા લોકો : ઉલ્લેખનીય છે કે, આદર્શ હાઇસ્કુલ પાછળ દબાણ કરી બેઠેલા કેટલાક લોકો પોતાનું મકાન ધરાવે છે, તેમ છતાં પણ અહીં ગેરકાયદેસર દબાણ કરી બેઠા છે. તેમજ જે લોકો પાસે પોતાનું મકાન નથી તેમને નગરપાલિકાએ રાજીવ ગાંધી આવાસ યોજનામાં બનાવેલા મકાનોમાં શિફ્ટ થવાની વાત કરી હતી, પરંતુ દબાણદારો આવાસ યોજનાના મકાનમાં જવા તૈયાર થતા નથી. જેથી હવે નગરપાલિકા કાયદેસરની કાર્યવાહી કરી તમામ દબાણો તોડી પાડશે.
અમે વર્ષોથી અહીં રહીએ છીએ અને અમારા મકાન છે તે રસ્તામાં છે નહીં અને રસ્તો ખુલ્લો છે. જો નગરપાલિકાએ અમારા મકાન પાડવા હોય તો અમને આની જગ્યાએ બીજે વ્યવસ્થા કરી આપવામાં આવે તો અમે ખાલી કરીશું નહીંતર અમે અહીંથી ખાલી નહીં કરીએ. નગરપાલિકા અમારા માટે કોઈ વ્યવસ્થા કરી નથી અને અમને અહીંથી કાઢી મૂકવાની વાત કરે છે. - વસંતીબેન (સ્થાનિક)
સ્થાનિકોનો રોષ : સ્થાનિકોનું કહેવું છે કે, અમારો જન્મ અહીં થયો છે અને અમે મોટા અહીં જ થયા છીએ. અમે વર્ષોથી અહીં રહીએ છીએ, તેમ છતાં નગરપાલિકા અમારા મકાનો પાડી રહી છે. જો નગરપાલિકાએ અમારા મકાનો પાડવા હોય તો અમને એની જગ્યાએ બીજે મકાનો ફાળવી આપે અને કમ્પલેટ કરી આપશે તો અમે અહીંથી જઈશું બાકી અમે અહીંથી જઈશું નઈ.