બેઠકનું સમીકરણ.......
બનાસકાંઠા લોકસભા બેઠકમાં સૌથી વધુ ઠાકોર સમાજના અને ત્યાર બાદ ચૌધરી સમાજના મતદારો છે. જેથી ટિકિટની વહેંચણી વખતે જ્ઞાતિવાદનું સમીકરણ ખાસ ધ્યાને લેવાય છે. છેલ્લા 20 વર્ષથી એટલે કે 6 ટર્મથી ભાજપ હરિભાઈ ચૌધરીને ટીકીટ આપે છે. જેમાં હરિભાઈ ચાર વખત જીત હાંસિલ કરી છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં બનાસકાંઠાની 9 માંથી કોંગ્રેસે 6 બેઠક જીતતા જિલ્લામાં કોંગ્રેસ તરફી માહોલ હોવાથી ભાજપ હરિભાઈને રિપીટ કરશે કે કેમ તેને લઈ અટકળો ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસ પણ કોને ઉમેદવાર બનાવવો તેની મૂંઝવણમાં છે.
બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી અને પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટોળ પણ ભાજપ તરફી ઉમેદવારોની લાઇનમાં છે. જ્યારે કોંગ્રેસમાં દિગગજ નેતા સ્વ.બી.કે.ગઢવીના પુત્ર અને હાલના જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતારામ પટેલ, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ તેમજ ઇત્તર સમાજમાંથી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર જોશી ટિકિટની દાવેદારીમાં છે. જો ગત ચૂંટણીનું પરિણામ જોઈએ તો કોંગ્રેસના જોઈતારામ પટેલ સામે ભાજપના હરિભાઈ ચૌધરીએ જીત મેળવી હતી.
1952 થી 2014 સુધી બનાસકાંઠા લોકસભાની સ્થિતિ જોઈએ તો 1952માં અક્બરભાઈ ચાવડા (કૉંગ્રેસ), 1957 અક્બરભાઈ ચાવડા (કૉંગ્રેસ), 1962 જોહરાબેન ચાવડા (કૉંગ્રેસ) 1967 મનુભાઈ અમરસી (સ્વતંત્ર પક્ષ) આ ચૂંટણી રદ થતાં પેટા ચૂંટણી થઈ હતી. 1968 એસ. કે. પાટીલ (કૉંગ્રેસ),1971 પોપટલાલ જોશી (કૉંગ્રેસ),1977 મોતીભાઈ ચૌધરી (જનતા પક્ષ) 1980 બી. કે. ગઢવી (કૉંગ્રેસ), 1984 બી. કે. ગઢવી (કૉંગ્રેસ), 1989 જે. વી. શાહ (જનતા દળ), 1991 હરીસિંહ ચાવડા (ભાજપ) 1996 બી. કે. ગઢવી (કૉંગ્રેસ), 1998 હરીભાઇ ચૌધરી (ભાજપ) 1999 હરીભાઈ ચૌધરી (ભાજપ) 2004 હરીસિંહ ચાવડા (કૉંગ્રેસ) 2009 મુકેશદાન ગઢવી (કૉંગ્રેસ) ત્યાર બાદ 2013માં હરીભાઇ ચૌધરી (ભાજપ) અને 2014માં પણ હરીભાઇ ચૌધરી (ભાજપ) ચૂંટાયા હતાં.