ડીસા : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રોયલ્ટી ચોરીના બનાવો વધી રહ્યા છે સામાન્ય રીતે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા બનાસ નદીમાં તો રોયલ્ટીની ચોરી થતી હતી. પરંતુ હવે તો ગામડાઓમાં પણ ધીરે ધીરે રોયલ્ટી ચોરી થઈ રહી છે. જેમાં ખાસ કરીને તળાવો માંથી જેસીબી અને હિટાચી મશીન દ્વારા રોયલ્ટી ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે તંત્ર દ્વારા રોયલ્ટી ચોરી કરનાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો રોયલ્ટી ચોરીમાં ઘટાડો આવી શકે તેમ છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ગેરકાયદે ખનનની ફરિયાદો : ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે ખનનની ફરિયાદો ખૂબ જ ઉઠી છે. જેને લઇ જિલ્લા ખાણ ખનીજ વિભાગે પણ બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે કમર કસી છે. ગઈકાલે ડીસાના આસેડા ગામ પાસેથી ગેરકાયદે રેતી ભરીને જઇ રહેલા બે ડમ્પર ઝડપાયા બાદ આજે વહેલી સવારે ભોયણ ગામના જાગૃત લોકોએ તળાવમાંથી થઇ રહેલી રેતીની ચોરી ઝડપી પાડી હતી.
આજે વહેલી સવારે અમારી પર ગ્રામજનોનો ફોન આવ્યો કે કોઈ અજાણ્યાં શખ્સો અમારા ગામમાં રેતીની ચોરી કરી ખનન કરી રહ્યા છે. ત્યારે અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યારે આ લોકોએ એક ટ્રેલર અને હિટાચી મશીન રોકાવી રાખેલું હતું ત્યારે પોલીસને જાણ કરી અને ત્યારબાદ આ તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે... કિશનદાન ગઢવી(ડીસા મામલતદાર)
માટીની ચોરી કરી જતા ગ્રામજનોએ અટકાવ્યાં : ભોંયણ ગામના લોકોએે ખનીજ માફિયાઓ તળાવમાંથી હિટાચી મશીન વડે માટીની ચોરી કરી જતા ગ્રામજનોએ અટકાવી આ ઘટના અંગે તંત્રને જાણ કરી હતી. બનાવને પગલે ડીસા ગ્રામ્ય મામલતદાર ડો. કિશનદાન ગઢવી અને પોલીસની ટીમ ભોયણ ગામે તળાવ પર પહોંચી હતી અને હિટાચી મશીન અને ટ્રક ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રેતીચોરોનો લોકો પર હુમલો કરવાનો પ્રયાસ : આ અંગે ગામના જાગૃત આગેવાનોએ જણાવ્યું હતું કે ભોયણ ગામમાં તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે રેતીની તસ્કરી થઈ રહી હતી. જેથી ગ્રામજનોએ આજે વહેલી સવારે હિટાચી મશીનથી રેતી ભરીને જઈ રહેલા ડમ્પરોને અટકાવવાનો પ્રયાસ કરતા કેટલાક ડમ્પર ચાલકોએ લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં એક હિટાચી મશીન અને ડમ્પરને પકડી તંત્રને જાણ કરતા અધિકારીઓની ટીમ ઘટના સ્થળે આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.