અંબાજીઃ PM મોદી 30મી ઓક્ટોબરે અંબાજીમાં મા અંબાના દર્શન કરવાના છે. દર્શન કર્યા બાદ ખેરાલુમાં તેઓ એક જનસભાને સંબોધિત પણ કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને સ્થાનિક તંત્ર તેમજ પોલીસ વિભાગ એકશન મોડમાં આવી ગયા છે. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
સ્થાનિક તંત્રની તૈયારીઓઃ તંત્રના આર એન્ડ બી વિભાગ દ્વારા અંબાજીથી 4 કિલોમીટર દૂર ચીખલા ખાતે 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન આ હેલીપેડ પર ઉતરાણ કરશે અને ત્યાંથી બાય રોડ અંબાજી મંદિરે દર્શન કરશે. ત્યારબાદ તેઓ ખેરાલુમાં એક જનસભાને સંબોધન પણ કરશે. સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મંદિરને ફુલોથી શણગારવામાં આવી રહ્યું છે. મદિર ઉપરાંત અંબાજીની અન્ય ઈમારતોનું સુશોભન પણ હાથ ધરાશે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠકના દોર ચાલી રહ્યા છે. જેમાં ગઈકાલે મળેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. તેમજ તંત્ર દ્વારા અંબાજીમાં આવેલી ધર્મશાળા અને હોટલોનું રજિસ્ટ્રેશન પણ સઘન બનાવવામાં આવ્યું છે.
પોલીસ વિભાગની તૈયારીઓઃ વડાપ્રધાનની અંબાજી મુલાકાતને લઈને પોલીસ વિભાગ તેમજ સુરક્ષા એજન્સીઓએ અંબાજીમાં પડાવ નાંખ્યો છે. સમગ્ર અંબાજી સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસ વિભાગ ઉપરાંત એલસીબી, એસઓજી વગેરે સિક્યુરિટી એજન્સી યુદ્ધના ધોરણે સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ ગઈ છે. વડા પ્રધાનની આ મુલાકાત સંદર્ભે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા માટે અંદાજે 2000થી વધુ પોલીસ જવાનો ખડકી દેવામાં આવ્યા છે. અંબાજીની ધર્મશાળાઓ, હોટલોમાં સર્ચ ઓપરેશન સઘન બનાવાયા છે. તેમજ અંબાજી ગામ ઉપરાંત પર્વતીય વિસ્તારોમાં પોલીસે થ્રી લેયર સિક્યુરિટીની વ્યવસ્થા કરી છે. ઘોડા પોલીસ અને બાઈક પર પોલીસ કાચા તેમજ પર્વતીય રસ્તાઓ પર પેટ્રોલિંગ કરી રહી છે. આ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહી જાય તે માટે એસપીજીના ડીઆઈજી જે.પી. શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની એડવાન્સ સિક્યુરિટીની બેઠક પણ યોજાઈ હતી.
અંબાજીમાં 2000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં ત્રણ તબક્કામાં પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. પહાડી વિસ્તારમાં ઘોડે સવાર, કાચા માર્ગ પર બાઈક દ્વારા પોલીસ બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે. યાત્રિકોથી માંડી હોટલ અને ગેસ્ટ ગાઉસમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બોર્ડર વિસ્તારમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે...અક્ષયરાજ મકવાણા(જિલ્લા પોલીસ વડા, બનાસકાંઠા)
અંબાજીમાં હવાઈ ઉડ્ડયન અંગે માન્યતાઃ અંબાજીમાં હવાઈ ઉડ્ડયન કરનાર નેતા પોતાની સત્તા ગુમાવે છે તેવી માન્યતા પ્રચલિત છે. 1998થી કોઈ પણ રાજનેતાએ અંબાજીમાં હવાઈ ઉડ્ડયન કર્યુ નથી. અંબાજીમાં હવાઈ ઉડ્ડયન કર્યા બાદ સત્તા ગુમાવનાર નેતાઓમાં અમર સિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, છબીલદાસ મહેતા, કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખનો સમાવેશ થાય છે. આ ઉદાહરણોને લીધે રાજનેતાઓ આબુરોડ અથવા દાતા નજીક બનેલા હેલીપેડનો ઉપયોગ કરે છે, પણ અંબાજીમાં હવાઈ ઉડ્ડયન કરવાનું ટાળે છે.