ડીસા : ડીસા તાલુકાના જૂના ડીસા ગામે સાંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 10 લાખના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ માત્ર આઠ મહિનાના સમયગાળા દરમિયાન જ આ રોડ ખખડધજ હાલતમાં આવી ગયો છે. જૂના ડીસા ગ્રામ પંચાયત દ્વારા આ રોડ હલકી ગુણવત્તાવાળો બનાવ્યો હોવાના કારણે તેની તપાસ શરૂ કરાઇ છે.
સાંસદ દિનેશભાઈ અનાવાડીયાની ગ્રાન્ટથી બન્યો : રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક ગામો છે કે જ્યાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ લાખો રૂપિયાની ગ્રાન્ટ જાણે બારોબાર કોન્ટ્રાક્ટરો લઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે પણ રાજ્યસભા સાંસદ દિનેશ અનાવાડીયાની વર્ષ 2021/22 ની ગ્રાન્ટમાંથી રૂપિયા દસ લાખના ખર્ચે 09/10/2022 ના રોજ નવીન રોડ બનાવવામાં આવ્યો હતો.
લોકોમાં રોષ : આખા રોડ પર જ્યાં જુઓ ત્યાં માત્ર ડામરના થીગડા મારી રોડનો સુધારો કરવામાં આવ્યો છે. આ બાબતે અહીંના સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ રોડ બન્યાને વધારે સમય થયો નથી. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવ્યું હોવાના કારણે આ રોડ માત્ર આઠ મહિનાના સમયગાળા દરમિયાન જ આખેઆખો તૂટી ગયો છે. આ રોડ તૂટી ગયો હોવાની બાબતે સ્થાનિક લોકોએ તાત્કાલિક પંચાયતમાં રજૂઆત કરી હતી જેથી કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની પોલ છુપાવવા માટે આરસીસી કામ કરવાના બદલે જ્યાં રોડ તૂટ્યો હતો ત્યાં ડામર પથરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડ ખરાબ બનાવવાના કારણે જૂના ડીસા ગામના લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
આ રોડ દિનેશભાઈ અનાવાડીયા સાંસદની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો છે. પરંતુ રોડ વ્યવસ્થિત બનાવવામાં આવ્યો નથી. રોડ ગણતરીના મહિનાઓમાં તૂટી ગયો છે. જેથી અમારી માંગ છે કે આ રોડ વ્યવસ્થિત બનવો જોઈએ. જેથી કરીને અમારે હાલાકી ભોગવી ન પડે... દિનેશ પ્રજાપતિ (સ્થાનિક)
તૂટેલા રોડ પર ડામર પાર્થયો : આ બાબતે મીડિયા સમક્ષ સ્થાનિકોએ રોશ વ્યકત કરતાં જણાવ્યું હતું કે રોડ તૂટી ગયો પથી લોકોમાં રોષ જોઇને કોન્ટ્રાક્ટર દ્વારા ચાર દિવસથી ડામર પાથરી દેવામાં આવ્યો છે. સાંસદની ગ્રાન્ટમાંથી આવા રોડ બનતાં હોય તો એ શરમજક વાત છે. પબ્લિક રોડ સારા બને તેવી સ્થાનિકોની અપેક્ષા છે.
હું ખલવાડ વિસ્તારમાં રહું છું. છેલ્લા આ રોડ દિવાળી ઉપર થયેલો છે આર.સી.સી થયું હતું પણ એમાં કોઈ ભલેવાર આવ્યો નથી. તૂટી ગયું તેના પછી ચાર દિવસથી ડામર પાથર્યું છે. તમે ડામર જોઇ શકો છો કે કેવી હાલતમાં છે. અમારી તો એક જ માંગ છે કે આ રોડ વ્યવસ્થિત બનવો જોઈએ. કારણ કે અહીં બાપજીનો આશ્રમ આવેલો છે ત્યાં પબ્લિક આવે છે. પબ્લીકનો બઉ ધસારો છે અને રોડમાં ખૂબ તકલીફ પડે છે... કીર્તિભાઈ પ્રજાપતિ (સ્થાનિક)
જૂના ડીસા તલાટીનું નિવેદન : આ બાબતે ઈટીવી ભારત દ્વારા તલાટીનો રૂબરૂ સંપર્ક કરી ખુલાસો જાણવાની કોશિશ કરવામાં આવી. તો તેમણે જણાવ્યું હતું કે તેઓ બદલી થઇને આવ્યાં છે. એ પહેલાં આ રોડ બનેલો છે. જેથી વધુ વિગત તેમની પાસે નથી. જોકે ચૂકવણું હાલમાં કરવામાં નહીં આવે તેવું આશ્વાસન આપ્યું હતું,
હું જ્યારે મારી બદલી થઈને હું અહીંયા આવ્યો એ પહેલા રોડ બણેલો હતો અને હજુ સુધી અમારી પાસે એનું સી.સીને એ બધું આવ્યું નથી. બાંધકામ શાખા છે એ રોડની કમ્પ્લીટ ચકાસણી કરશે અને જો યોગ્ય જ હશે તો જ પંચાયતને ચુકવણું કરવાનો આદેશ કરશે. પંચાયતના અંદર ગ્રાન્ટ જમા કરાવશે ત્યારબાદ અમે આપી શકશું. પરંતુ જ્યાં સુધી આ બાંધકામ શાખા દ્વારા ક્લીયર નઇ થાય કે આ રોડ બરોબર છે કે કેમ ત્યા સુધી અમે તેનું ચુકવણું કરીશું નહીં...હેમંત પંચીવાલા (તલાટી, જૂના ડીસા)
ફરી એજ પરેશાની : જૂના ડીસામાં આ રોડ બનતા સ્થાનિક લોકોને લાગી રહ્યું હતું કે હવે વાહન ચલાવવું સારું પડશે. પરંતુ આ રોડ માત્ર આઠ મહિનાનો સમયગાળો થયો અને તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. દસ લાખ રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટર દ્વારા આરસીસી રોડ બનાવવામાં આવ્યો હતો. આજે આપ જે આ રોડ જોઈ રહ્યા છો તે વર્ષોથી બનેલો નથી પરંતુ માત્ર 8 મહિના પહેલા બનેલો જ આ રસ્તો છે તેવું માનવું મુશ્કેલ છે.